Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પોરબંદરના પૂર્વ સાંસદ ગોરધનભાઈ જાવિયાનું નિધનઃ સાંસદ તરીકે ૩ વખત ચૂંટાયેલ હતાં

પોરબંદરથી દોડતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેઈનો ગોરધનભાઈના સમયમાં મંજુર થયેલઃ બંદર વિકાસમાં સિંહફાળો રહેલ

પોરબંદરઃ પોરબંદર વિસ્તારના સાંસદ તરીકે ૩ વખત ચૂંટાયેલા પૂર્વ સાંસદ ગોરધનભાઈ જાદવભાઈ જાવિયા (ઉ.વ.૮૨) તે રમેશભાઈ જાવીયા અને લલિતભાઈ જાવીયાના પિતાશ્રીનું તેમના કેશોદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવના મૂળ વતની ગોરધનભાઈ જાવિયા પોરબંદર મત વિસ્તારમાંથી ૧૧મી લોકસભામાં ૧૯૯૬, ૧૨મી લોકસભા ૧૯૯૮ તેમજ ૧૩મી લોકસભા ત્રીજી ટર્મમાં ૧૯૯૯ના રોજ પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમનો જન્મ ૯ માર્ચ ૧૯૪૦ના રોજ ધોરાજીના પાટણવાવમાં થયો હતો. તેઓ તાલાળા ઉમિયા સંકુલમાં પોતાની સેવા આપતા હતા. તેઓ પોતાના કેશોદ ખાતે નિવાસ સ્થાને પોતાનો અંતિમ સમય વિતાવતા હતા. ગોરધનભાઈ એમ.એ. બી.એડ. સુધી શિક્ષણ લીધું હતું.

પોરબંદરથી સૌ પ્રથમ લાંબા અંતરની હાવડા સુપરફાસ્ટ ટ્રેઈન ગોરધનભાઈના સાંસદ સમય દરમિયાન મંજુર થઈ હતી. ઉપરાંત પોરબંદરથી દોડતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેઈનો તેઓના સાંસદ કાર્યકાળ દરમિયાન મંજુર થયેલ. તેઓએ સાંસદ હતા ત્યારે પોરબંદર-સીલીગુડી (આસામ) ૮-બ હાઈવે મંજુર કરાવેલ અને આ હાઈવેનુ ખાતમુહુર્ત તે સમયે નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે ગાંધી જન્મભૂમિમાં થયેલ. ઓખાથી ભાવનગર કોસ્ટલ હાઈવેને પણ તેમણે લંબાવવા સફળ રજૂઆત કરીને કોસ્ટલ હાઈવેને ૮-ઈની ઓળખ આપી હતી.

સૌરાષ્ટ્રમાં કોસ્ટલ ટ્રેઈન ઓખાથી દ્વારકા, પોરબંદર, વેરાવળ-ભાવનગરનો સર્વે પણ કરાવેલ હતો પરંતુ ખર્ચ વધી જતા ઓખા-વાંસજાળીયા લીન્કઅપ ટ્રેઈનનો વિકલ્પ અપનાવ્યો હતો. તે દરમિયાન બંધ સરાડિયા રેલ્વે ટ્રેઈન ચાલુ કરવા પુનઃ સર્વે કરાયો હતો.

ગોરધનભાઈએ પોરબંદરના બંદર વિકાસમાં સિંહફાળો આપેલ તેમજ ખારવા સમાજમાં શ્રમિકોના ઉત્કર્ષ માટે પ્રયત્નો કરેલ હતા. ગોરધનભાઈના સાંસદ તરીકે કાર્યકાળમાં પોરબંદર જિલ્લામાં ૧૫૦૦ કરોડની વિકાસ ગ્રાન્ટ આવેલ અને ૫૨૫ કરોડની ગ્રાન્ટ પોર્ટ વિકાસ માટે ફાળવી હતી અને પોરબંદરના જૂના અને નવાબંદર વચ્ચે વર્ષો જૂની ડોક ટ્રેઈન પુનઃ ચાલુ કરવા ગેજ પરીવર્તનનું કામ મંજુર કરાવવામાં આવ્યુ હતુ કે ટ્રેઈન ઉપર દબાણ હટાવવામાં આવેલ પરંતુ રાજકીય ડખ્ખામાં અટકી ગયેલ છે. પૂર્વ સાંસદ ગોરધનભાઈને તે સમયે રેલ્વે પ્રશ્ને પ્રતિનિધિ તરીકે પૂર્વ ડીઆરયુસીસી  સભ્ય એચ.એમ. પારેખે કામ કર્યુ હતું. સદ્ગતની તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સહિતે સદ્ગતને અંજલી અર્પી હતી.

(11:36 am IST)