Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરિકો સાથેના વિમાનનું જામનગરમાં ઉતરાણ

ભારતીયોને વતન પરત લાવવાના મિશન ઉપર નરેન્દ્રભાઈ મોદીનું સતત મોનીટરીંગઃ એરફોર્સના એરપોર્ટ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના દ્વારા સ્વાગતઃ યાત્રીકોને ભોજન કરાવાયું: વતન પરત પહોંચેલા ભારતીયોની આંખમાં હર્ષના આંસુઃ ઈંધણ ભરીને પરત દિલ્હી રવાના થશે

જામનગરઃ અફઘાનિસ્તાનથી ભારતીય યાત્રીકોને લઈને વાયુદળનું વિમાન દિલ્હી જવા રવાના થયુ હતું. આ વિમાને જામનગર એરફોર્સના એરપોર્ટ ખાતે ફયુલ ભરવા માટે ટૂંકુ રોકાણ કર્યુ હતું. જામનગર ખાતે યાત્રીકોને ભોજન કરાવાયુ હતુ. આ તકે યાત્રીકોનું સ્વાગત રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૭ :. તાલિબાની રાજ સ્થાપિત થયા બાદ લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર લોકો એકઠા થયા છે જે લોકો દેશ છોડવા ઈચ્છેછે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોમાંથી ૧૨૦ લોકોએ રાહતનાશ્વાસ લીધા છે. ભારતીય વાયુસેનાના સી-૧૭ એરક્રાફટેકાબુલ એરપોર્ટથી અંદાજે ૧૨૦ લોકોને લઈને વિમાન નીકળ્યું છે જે આજે સવારે જામનગર આવી પહોંચ્યુ હતું. જામનગરમાં વાયુદળના આ વિમાને ઈંધણ ભર્યા બાદ તે દિલ્હી જવા રવાના થયુ હતું. આ વિમાન પછી કેટલીક ફલાઈટો પણ ભારતીયોને લાવવા કાબુલ જાય તેવી શકયતા છે. આ દરેક લોકો ભારતીય દૂતાવાસના અધિકારી છે. આ ઉપરાંત તેના સુરક્ષાકર્મી પણ તેમાં સામેલ છે.

ભારતીય નાગરિકોની સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ચિંતિત અને તત્પર હોય છે. વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા પણ પ્રધાનમંત્રીશ્રી માટે ભારતમાં વસતા નાગરિકો જેટલી જ અગ્રતા ધરાવતી હોય છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એલિફન્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર ૧૧ૅં૧૫  કલાક આસપાસ પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને તાલિબાનથી સુરક્ષિત રાખવા વતન પરત લાવવા પ્રધાનમંત્રીશ્રીએ તત્કાલ ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી ત્યાં વસતા ભારતીય નાગરિકોને એરલિફટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દિલ્હી ખાતે પહોંચ્યું હતું, સાથે જ આજે એરફોર્સના વિમાન સી-૧૭ દ્વારા મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા છે. જામનગર ખાતે આ વિમાન પહોંચતા અફઘાનિસ્તાનથી પરત આવેલ નાગરિકોની આંખોમાં  હર્ષાશ્રુ ઉમટ્યા હતા, સુરક્ષિત વતન પર પહોંચતા જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના  કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રથમ તબક્કામાં પણ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા તેમજ હાલ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અરાજકતા સર્જતા ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ન રહે તે માટે તત્કાલ પ્રધાનમંત્રીશ્રીએ ભારતીય નાગરિકોની સુરક્ષા હેતુ ભારતીયોને એરલિફટ કરવા મિશન મોડમાં કામગીરી હાથ ધરી હતી. જેમાં આજરોજ આશરે ૧૫૦ભરીથી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત વતન પરત ફર્યા છે.

વાયુસેના એરબેઝ ખાતે પહોંચેલું વિમાન જામનગર ખાતે ઇંધણ ભરીને દિલ્હી જવા રવાના થશે. આ સમયે જામનગર એરપોર્ટ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, કલેકટર શ્રી સૌરભ પારઘી, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયાએ કર્મચારીઓનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.

આ તકે, પ્રાંત અધિકારી જામનગર શહેર શ્રી આસ્થા ડાંગર, ડેપ્યુટી ડી.ડી.ઓ શ્રી પાર્થ  કોટડીયા, મામલતદાર શ્રી અક્ષર વ્યાસ વગેરે અધિકારીઓ, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અફઘાનિસ્તાનથી પરત ફરેલા યાત્રીકોને જામનગર ખાતે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એરફોર્સના એરપોર્ટથી બસ મારફત જામનગર જમવા લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓ પરત દિલ્હી જવા રવાના થયા હતા.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા બાદ, ઝડપથી કથળતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ ૧૨૦થી વધુ ભારતીય અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ભારતીય વાયુસેનાએ C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ૧૨૦થી વધુ ભારતીય અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા છે. જેમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ સામેલ છે. આ સિવાય દૂતાવાસના અન્ય અધિકારીઓને એરપોર્ટ પર જ સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ ભારતે બે વિમાનો દ્વારા પોતાના ૨૦૦થી વધુ નાગરિકોને કાબુલમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ સોમવારે કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે ત્યાં વિમાનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.આ પછી, પરિસ્થિતિને સામાન્ય કર્યા પછી, ભારતના સી -૧૭ વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી શકે છે. તાલિબાનની હાજરી વચ્ચે અફઘાનિસ્તાનમાં ઘણા ભારતીય શીખોએ ત્યાંના ગુરૂદ્વારામાં આશરો લીધો છે.

સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સંખ્યા સરકાર દ્વારા કહેવામાં આવી નથી. પરંતુ તેમને સુરક્ષિત ઘરે પરત લાવવા માટે ભારતીય વાયુસેનાના સી-૧૭ ગ્લોબમાસ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

અગાઉ ભારત સરકારે કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનમાં ઝડપથી કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે પોતાના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની ભારત પરત ફરવા માટે અન્ય બાબતોની સાથે ખાસ 'અફઘાનિસ્તાન સેલ'ની સ્થાપના કરી છે. લોકો વચ્ચેનો સંપર્ક વધારવા માટે હેલ્પલાઈન માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પણ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારત પરત ફરતા લોકો વિશે સહયોગીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.(૨-૧૩)

(1:17 pm IST)