Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મોરબીની મેડિકલ કોલેજ ચાલુ થવાનું કાઉન્ટ ડાઉન : નવી 529 જગ્યા મંજુર

મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત રાજ્યની નવી પાંચ મેડિકલ કોલેજ માટે નવી 2537 જગ્યા મંજુર કરતી સરકાર

મોરબીને સરકારી મેડિકલ કોલેજનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે. ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી મોરબી સહીત રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ કરવા નિર્ણય કર્યાને પગલે હયાત હોસ્પિટલો અને નવી મેડીકલ કોલેજો માટે વર્ગ-1, વર્ગ-2,3 માટે વધારાનું 2537 જગ્યાઓનું મહેકમ મંજુર કર્યું છે જે અન્વયે મોરબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માટે નવી 529 જગ્યાઓ મંજુર કરી ટૂંક સમયમાં જ નેશનલ મેડિકલ કમિશનના નિયમ પ્રમાણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
મોરબી માટે મંજુર થયેલી સરકારી મેડિકલ કોલેજ ખાનગી હાથોમાં સોંપવાના નિર્ણય બાદ સરકારે ફરી સરકારી મેડિકલ કોલેજ માટે લીલીઝંડી આપી છે ત્યારે મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા ગોધરાની જીલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરી ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) હસ્તક નવી મેડીકલ કોલેજો સ્થાપવા હાલમાં હયાત હોસ્પિટલો ખાતે મંજૂર થયેલ વર્ગ-૧ અને વર્ગ-૨ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તબદીલ કરવામાં આવી છે.
  વધુમાં નેશનલ મેડીકલ કમિશનના નિયમ મુજબ બાકી રહેતી મોરબી સહિતની પાંચેય મેડિકલ કોલેજ માટે જરૂરી વર્ગ-૧ અને વર્ગ-૨ તથા વર્ગ-૩ અને વર્ગ-૪ માટે કુલ 2537 નવી જગ્યાઓ મંજુર કરી આગામી શૈક્ષણિક સત્રથી નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા રૂપિયા 206.25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે મોરબી સરકારી હોસ્પિટલ સલંગ્ન મેડિકલ કોલેજ માટે નવી 529 જગ્યાઓ મંજુર થઇ છે જો કે, વર્ગ-4ની તમામ જગ્યાઓ આઉટસોર્સથી ભરતી કરવા ઠરાવમાં જાહેર કરાયુ છે.

(9:23 pm IST)