Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

આરભંડાના શખ્‍સ દ્વારા બનાવી આપવામાં આવતા હતા બોગસ ડ્રાઇવિંગ લાયસન્‍સ : ચાર સામે ગુનો

ખંભાળીયા,તા.૧૭ : દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર પંથકના આરંભડા ખાતે રહેતો અને કોન્‍ટ્રાક્‍ટરના વ્‍યવસાય સાથે સંકળાયેલા એજાજ હાસમ ઈશાક સંઘાર નામના ૪૦ વર્ષિય મુસ્‍લિમ વાઘેર શખ્‍સને પોલીસે અટકાવી, ચેકીંગ કરતાં તેની પાસેથી ત્રણ ડ્રાયવિંગ લાયસન્‍સ મળી આવ્‍યા હતા. પૂછપરછમાં આ શખ્‍સ દ્વારા ભીમરાણા ગામના રહીશ ખીમા મેપા વારસાખીયા નામના શખ્‍સ પાસેથી વોટ્‍સએપ મારફતે ફોટા અને આધાર કાર્ડની નકલ મોકલી, ગુગલ પે મારફતે રૂપિયા ૩,૦૦૦ મોકલી અને કોઈપણ જાતની જરૂરી કાર્યવાહી વગર ડ્રાઇવિંગ લાયસન્‍સ મેળવ્‍યું હતું.

આ ઉપરાંત એજાજ સંઘાર પાસેથી સલાયાના રહીશ આલી આદમ ભગાડ અને દાઉદ ઈશાક સંઘાર નામના અન્‍ય બે શખ્‍સોના લાયસન્‍સ પણ મળી આવ્‍યા હતા. આથી પોલીસે એજાજ હાસમ સંઘારની અટકાયત કરી, ખીમા મેપા, આલી આદમ અને દાઉદ ઈશાક મળી કુલ ચાર શખ્‍સો ખોટા ડ્રાયવિંગ લાયસન્‍સ બનાવવા માટે અધિકારી કરે તેવી ખોટી ડિજિટલ સહીઓ કરી અને બનાવટી ડ્રાયવિંગ લાયસન્‍સ બનાવવા બદલ આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવીને સોંપવામાં આવી છે.

ભાણવડમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે બે યુવાનો ઝડપાયા

ભાણવડ તાબેના વિજયપુર ગામેથી પોલીસે પસાર થતા જી.જે. ૩૭ એચ. ૯૪૯૪ નંબરના હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલનું ચેકિંગ કરતા આ મોટર સાયકલ પર જઈ રહેલા વિજયપુર ગામના રામદે નથુ પિપરોતર અને ભાણવડના રહીશ હરદાસ ઊર્ફે મુન્નો વેજા સોલંકી નામના બે શખ્‍સોએ છુપાવી રાખેલી રૂ. ૪,૮૦૦ ની કિંમતની બાર બોટલ વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આથી પોલીસે રૂ. ૨૦ હજારની કિંમતની મોટરસાયકલ તથા દારૂના જથ્‍થા સાથે ઉપરોક્‍ત બન્ને શખ્‍સોની અટકાયત કરી હતી.

દારૂનો આ જથ્‍થો તેઓએ પોરબંદર જિલ્લાના બગવદર તાલુકાના રાજુ નાથા વેશરા નામના શખ્‍સ પાસેથી મેળવ્‍યો હોવાનું કબુલતા ભાણવડ પોલીસે પ્રોહીબીશન એક્‍ટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામા પીધેલો

વાહન ચાલક ઝડપાયો

દ્વારકા તાલુકાના મેવાસા ગામના ઝાંપા પાસેથી પોલીસે રૂપિયા અઢી લાખની કિંમતની મારુતિ મોટરકાર લઈને નીકળેલા રમેશભા બાલુકા માણેક નામના ૩૩ વર્ષના યુવાનને ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્‍ટની કલમ ૧૮૫ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:07 pm IST)