Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વાડીનાર ગામની મહિલા સરપંચ વતી ૪ લાખની લાંચની માંગણી કરનાર ડેન્‍ટીસ પતિની જામીન અરજીને ફગાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૭ : વાડીનાર ગામના મહીલા સરપંચ વતી ૪-લાખની લાંચની માંગણી કરનાર મુસ્‍લીમ પતિની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવાનો સેશન્‍સ અદાલતે હુકમ કર્યો હતો.

દેવભુમી દ્વારકા જિલ્લાના વાડીનાર ગામમાં તા.૧૭/૦૧/ર૦રર ના રોજ મહિલા અનામતમાં સરપંચ તરીકે ચુંટાઈ આવેલ હસીનાબેન અબ્‍બાસભાઈ સંઘાર વતી બીજા જ દિવસે ડેન્‍ટીસ્‍ટ તરીકે પ્રેકટીસ કરતા પતિ અબ્‍બાસ ઈબ્રાહીમભાઈ સંઘારે મુંબઈની પાર્ટી પાસેથી રૂા.૪-લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદ ઉપરથી રાજકોટની સરોવર પોર્ટીકો હોટલમાં ટ્રેપ ગોઠવવામાં આવેલ જેમાં સરપંચ પત્‍નિ અને ડેન્‍ટીસ્‍ટ પતિ રૂપિયા દોઢ લાખની બાકીની લાંચ લેતા ઝડપાઈ ગયેલા હતા. ચાર્જશીટ રજુ થયા બાદની પતિની જામીન અરજી નામ. સ્‍પે. અદાલતે રદ કરી ઠરાવેલ છે કે, સરપંચ પત્‍નિ વતી લાંચ માંગનાર ડેન્‍ટીસ્‍ટ પતિ અને ખોટા બચાવ ઉભા કરવાની તેની વર્તણુક જામીન મેળવવા માટે તેમને ગેરલાયક ઠેરવે છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.૧૭/૦૧/ર૦રર ના રોજ હસીનાબેન અબ્‍બાસભાઈ સંઘાર વાડીનાર ગામના સરપંચ તરીકે મહિલા અનામતમાં ચુંટાઈ આવેલ હતા. આ સમયે વાડીનારમાં આઈ.ઓ.સી. ની મિલકત ફરતે કંપાઉન્‍ડ વોલ બનાવવા માટે મુંબઈના કોન્‍ટ્રાકટરે ટેન્‍ડર ભરી કોન્‍ટ્રાકટ મેળવેલ હતો. રૂા.ર૦-લાખ ના આ કોન્‍ટ્રાકટનુ ઘણા અંશે કામ ચાલુ હતુ તે દરમ્‍યાન હસીનાબેન સરપંચ તરીકે ચુંટાઈ આવતા વાડીનાર ગામમાં  ડેન્‍ટીસ્‍ટ તરીકે પ્રેકટીસ કરતા સરપંચના પતિ અબ્‍બાસભાઈ ઈબ્રાહીમભાઈએ મુંબઈના કોન્‍ટ્રાકટરને ફોનથી જણાવેલ કે ખરી હકિકતે હું જ આ ગામનો સરપંચ છુ અને તમારે આ કંપાઉન્‍ડ વોલનુ કામ પુર્ણ કરવુ હોય તો રૂા.૪-લાખની લાંચ મને આપવી પડશે. અધુરા કામે આ વિઘ્‍ન આવતા કોન્‍ટ્રાકટરે લાંચની રકમ આપવા સહમતી દર્શાવેલ. જે અનુસંધાને કોન્‍ટ્રાકટરે ડેન્‍ટીસ્‍ટ પતિને બે ઉંચી કિંમતના મોબાઈલ ફોન તથા મોંઘી ઘરવખરીનો સામાન અને રૂા.પ૦,૦૦૦ રોકડા ચુકવી આપેલ હતા. બાકીની લાંચની રકમના રૂપિયા દોઢ લાખ વસુલવા માટે રાજકોટની સરોવર પોર્ટીકો હોટલમાં સરપંચ પત્‍નિ અને ડેન્‍ટીસ્‍ટ પતિ આવેલ હતા. કોન્‍ટ્રાકટરે આ સમયે એ.સી.બી. જામખંભાળીયામાં ફરીયાદ કરતા ટ્રેપ ગોઠવાયેલ જેમાં લાંચની રકમ સ્‍વીકારતા પતિ-પત્‍નિ ઝડપાઈ ગયેલ હતા. જામીન અરજીની સુનવણી દરમ્‍યાન શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે, મહિલા સશકિતકરણના ઉમદા ઉદેશ સાથે સરકારશ્રીએ જયારે લોકપ્રતિનિધિત્‍વ કરવા માટે મહિલા અનામત દાખલ કરેલ હોય ત્‍યારે સરપંચ તરીકે ચુંટાઈ આવેલ મહિલાના પતિ હોવાના નાતે આવા પતિ પોતાને જ સરપંચ તરીકે ઓળખાવે અને સરપંચ તરીકે લાંચની માંગણીઓ કરે અને સરપંચ તરીકેના વિઝીટીંગ કાર્ડ છપાવે ત્‍યારે ડેન્‍ટીસ્‍ટ તરીકે વાડીનારમાં પ્રેકટીસ કરતા હોવા છતા પોતે બાંધકામના કોન્‍ટ્રાકટ રાખતા હોવાની બનાવટી હકિકત જણાવે અને આવા કોન્‍ટ્રાકટ મેળવવા માટે ફરીયાદીના માણસને કમિશન આપવા પેટે સરોવર પોર્ટીકો હોટલમાં રકમ સ્‍વીકારેલ હોવાનુ જણાવે તે હકિકત દર્શાવે છે કે, હાલનો આરોપી તબીબ તરીકે શૈક્ષણીક લાયકાત ધરાવતા હોવા છતા પોતાના શિક્ષણનો કયા પ્રકારે દુરઉપયોગ કરે છે. શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતોના અંતે સ્‍પે. અદાલતે ડેન્‍ટીસ્‍ટ તરીકે પ્રેકટીસ કરતા પતિ અબ્‍બાસભાઈ ઈબ્રાહીમભાઈ સંઘારની પોલીસ ચાર્જશીટ રજુ થયા બાદની જામીન અરજી રદ કરેલ છે.

 આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.(૨૧.૧૩)

સંજયભાઇ વોરા

જિલ્લા સરકારી વકીલ

(11:50 am IST)