Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વહેલી સવારે પવનના સૂસવાટા - આછા વાદળા પછી અસહ્ય બફારો

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં આકરા તાપથી લોકો ત્રાહીમામ : જો કે સવારે પવનનું જોર થોડીવાર વધતા ગરમીમાં સામાન્‍ય રાહત

રાજકોટ તા. ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે વહેલી સવારના સમયે વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને આછા વાદળા સાથે પવનના સૂસવાટા ફૂંકાયા હતા. જો કે થોડીવાર પછી વાદળા પણ વિખેરાયા હતા અને પવન પણ શાંત પડી ગયો હતો.
જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારાનો અનુભવ થઇ રહ્યો છે.
અમદાવાદ શહેરમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હવામાન ખાતા દ્વારા સતત ઓરેન્‍જ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. કાલે સોમવારે અમદાવાદ શહેરમાં રાજ્‍યના અન્‍ય શહેરોની સરખામણીએ સૌથી વધુ ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં પણ આજે ૪૨.૮ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો તોબાહ પોકારી ઉઠયા હતા. બીજી તરફ હવામાન ખાતાના સંકેતો મુજબ આગામી પાંચ દિવસ સુધી શહેરમાં ગરમી ઘટવાની કોઇ શક્‍યતાઓ જણાતી નથી. અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રીની આસપાસ નોંધાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
શહેરમાં તાપમાન હજુ ૪૩ ડિગ્રીથી વધુ નોંધાઇ રહ્યું છે. પરંતુ આજે સોમવારે મોડી સાંજે પવન શરૂ થતાં લોકોએ રાહત અનુભવી હતી. ગુજરાતમાં મોટાભાગે ૨૦મી જૂન આજુબાજુ ચોમાસાનું આગમન થતું હોય છે. ગત વર્ષે એક સપ્‍તાહ વહેલું ચોમાસાનું આગમન થયું હતું. ચોમાસાના આગમનના ૧૦ થી ૧૫ દિવસ પહેલા પ્રિ-મોન્‍સુન એકિટવિટી શરૂ થતી હોય છે. ગુજરાતમાં પ્રિ-મોન્‍સુન એકિટવિટી શરૂ થવાની અંદાજ કેરળમાં ચોમાસાનું આગમન  થયા બાદ જ મુકાતો હોય છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર : ભાવનગરમાં ગરમીનો પ્રકોપ યથાવત્‌ રહેવા પામ્‍યો છેᅠ સોમવારેᅠ ᅠભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૧.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા અને પવનની ઝડપ ૩૨ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
વઢવાણ
(ફઝલ ચૌહાણ દ્વારા)ᅠસુરેન્‍દ્રનગર :  હાલ સુરેન્‍દ્રનગર સહિત સમગ્ર રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળાના ધોમધગતા તાપની વચ્‍ચે લોકોની સાથે સાથે પશુઓને પણ પીવાના પાણીની જરૂરીયાત વધુ પડતી હોય છે.
હાલ કેટલાક વિસ્‍તારોમાં પાણીની સમસ્‍યા સામે આવી રહી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગરના લખતરના વરસાણી ગામે પણ કંઈક આવી જ સ્‍થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે.
ᅠઅહીં છેલ્લા ૧૦ દિવસથી પુરવઠા વિભાગની પાણીની લાઈનમાં પાણી ન આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. તો બીજીબાજુ વરસાણી ગામના તળાવમાં પડેલુ ડેડ વોટરમાં ગંદકી હોવાથી તે પશુઓના પણ પીવા માટે કામમાં આવે તેવુ નથી. તેમજ પશુઓના પણ પીવાના પાણીના અવાડા હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે, તેવામાં કાળઝાળ ગરમીમાં પશુઓને પણ પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે.
ᅠનલ સે જલ તક યોજના નીચે ગામમાં નવો સમ્‍પ તૈયાર તો કરાયો છે જોકે તેનું લોકાર્પણ હજી સુધી થયુ નથી જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્‍યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્‍ચારી છે કે જો આવી જ પરિસ્‍થિતિ રહી તો આગામી દિવસોમાં તેમને હિઝરત કરી અન્‍ય ગામમાં રહેવા જવાની ફરજ પડશે.
ક્‍યાં કેટલી ગરમી
શહેર    તાપમાન
અમદાવાદ    ૪૩.૬
ગાંધીનગર    ૪૨.૮
ડીસા    ૪૦.૦
વડોદરા    ૪૦.૦
ભુજ    ૪૦.૦
કંડલા એરપોર્ટ    ૪૧.૫
ભાવનગર    ૪૧.૦
રાજકોટ    ૪૨.૩
સુરેન્‍દ્રનગર    ૪૨.૦

 

 

(11:17 am IST)