Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ગોંડલના ઘોઘાવદર નજીક હિટ એન્ડ રન : કારની અડફેટે બાઈકચાલકનું કરૂણમોત

જસદણના કાનપરમાં ઘરે આંટો મારી સુરત પરત જતાં યુવકને કાળ ભેટયો:

જસદણના કાનપુર ગામનો વતની અને હાલ સુરત રહેતો યુવાન વતનમાં આંટો મારી પરત જઈ રહ્યો હતો ત્યારે ગોંડલ પિતરાઈ ભાઈને બાઈક આપવા જતી વખતે ગોંડલ નજીક અજાણ્યા કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

  પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના કાનપર ગામના વતની અને હાલ સુરત રહેતા મોહિતપરી રમેશપરી ગોસાઈ નામના 18 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં બાઈક લઈ ગોંડલ નજીક ઘોઘાવદર રોડ પર જઈ રહ્યો હતો ત્યારે અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે

 . પ્રાથમિક પુછપરછમાં મૃતક મોહિતપરી ગોસાઈ વતનમાં આંટો મારવા આવ્યો હતો અને પરત સુરત જઈ રહ્યો હતો ત્યારે ગોંડલ નોકરી કરતાં પિતરાઈ ભાઈને બાઈક આપીને ત્યાંથી સુરત જવાનું હોવાથી તે પિતરાઈ ભાઈને બાઈક આપવા જઈ રહ્યો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(12:30 pm IST)