Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ધન્ય છે..મોરબીના આ મહિલા જીવના જોખમે કોરોનાગ્રસ્ત મૃતદેહોની સેવાભાવે કરે છે અંતિમવિધિ

પુરા માન-સન્માન સાથે ડેડબોડીને પેક કરી ફુલહાર અર્પી પરિવારજન જેવી અંતિમ વિધિ કરીને મહિલા કાર્યકર માનવતા દિપાવે છે : અત્યાર સુધીમાં 350 મૃતદેહોની કરી ચુક્યા છે અંતિમ વિધિ

મોરબી : કોરોના કહેર વચ્ચે નજીકના મિત્રો કે સગા-સ્નેહીઓ કદાચ સંક્રમિત થાય તો સાવચેતી ખાતર તેમનાથી દુરી બનાવીને રાખીએ છીએ. ત્યારે કોરોનાથી મોત થાય અને એ સ્વજન હોય તો પણ આપણે તેની નજીક જવાનું વિચારી પણ શકતા નથી. ત્યારે મોરબીના એક એવા અદના મહિલા કાર્યકર છે કે જેઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દરમિયાન મૃત્યુ પામતા હતભાગીઓની એકદમ નજીક જઈને એક પરિવારજનની જેમ જ પુરા આદર-માન સાથે ડેડબોડીની અંતિમવિધિ કરે છે. જીવન જોખમે નિ:સ્વાર્થ ભાવે સેવા કરીને માનવતાની જ્યોત અખંડિત રાખી રહ્યા છે.

મોરબીની સવિલ હોસ્પિટલમાં વર્ષોથી દર્દીઓને પડતી હાલાકી વચ્ચે નાતજાતના બંધનથી ઉપર ઉઠીને દર્દીનારાયણની સેવા માટે છેલ્લા હરહમેશ તત્પર રહેતા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાએ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે માનવતાની જ્યોતને દીપાવી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દીવસથી કોરોનાથી મોતના બનાવો ઉતરોતર વધી રહ્યા છે. જો કે આ તમામ ડેડબોડીના અગ્નિ સંસ્કાર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે ફાયર બ્રિગેડ જ કરે છે. પણ ડેડબોડીને સ્મશાને લઈ જવા માટે પેક કરવી, ફુલહાર તથા તેનો મોતનો મલાજો જળવાઈ તેવી તમામ વિધિ હસીનાબેન જીવન જોખમે નિ:સ્વાર્થભાવે કરે છે.

ગયા વર્ષથી કોરોનાથી મોતના બનાવો બનતા તેઓએ આ કાર્ય માનવ ધર્મ સમજીને જાતે જ ઉઠાવી લીધું હતું. એક વર્ષથી કોવિડથી મૃત્યુ પામેલા હતભાગીઓની સ્વજનની જેમ અંતિમ વિધિ કરે છે. કોવિડ ડેથ બાદ ડેડબોડીને પેક કરવાની હોય છે. જેથી, કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય. આ કામ કપરું છે. તેમ છતાં તેઓએ જીવન જોખમે જાતે જ ડેડબોડીને પેક કરીને તેમજ ફુલહાર ચડાવી પરિવારજનની જેમ પગે લાગીને અંતિમ વિધિ માટે સોંપે છે.

હસીનાબેનએ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં કોવિડથી મૃત્યુ પામેલા 150 જેટલા લોકોની અંતિમવિધિ કરી છે. જેમાં સંક્રમિત મૃતકોના કપડાં બદલવા, ત્યાં આસપાસ સફાઈ કરવી અને કફન પહેરાવી આખેઆખી બોડી પેક કરવી એ કામ ભલભલાને ધ્રુજાવી આવી જાય એવું છે કારણ કે સંક્રમિત થવાનો બધાને ડર હોય છે. પણ હસીનાબેને માનવ ધર્મને જીવનમાં એટલી હદે વણી લીધો છે કે તેઓ દિવસે તો ઠીક સિવિલમાં મોડી રાત્રે પણ બોડી પેક કરતા હોય છે. ડેડ બોડીની સૌથી વધુ નજીક રહેતા હોય ત્યારે પોતે સંક્રમિત થયા છે કે નહીં તે માટે બેથી ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો પણ ત્રણેય વખત નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. તેઓએ અત્યાર સુધીમાં બિનવારસી સહિત અંદાજે 350 હતભાગીઓની અંતિમ વિધિ કરી છે.

હસીનાબેને કોવિડથી મરતા લોકોને જોઈને વલોપાત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું છે કે, કોરોનાને કારણે કોઈને કોઈનો અંધારસ્તંભ તો કોઈ દિકરા -દિકરીઓ ઉપરથી માવતરની છત્રછાયા છીનવાઈ રહી છે. અંતિમ વિધિ કરતી વખતે મારુ હૈયું કંપી ઉઠે છે. દરેક ડેડબોડી જોઈને હું રડી છું. હવે તો રડી રડીને આંખો સૂઝી ગઈ, ખાવાનું પણ ભાવતું નથી. સ્વજનોના હૈયાંફાટ આક્રંદ જોઈને ઈશ્વર-અલ્લાહ સમક્ષ એક જ દુઆ માંગુ છું કે, હવે તો કોરોનાને શાંત પાડે.

 

મહિલા માસ્ક કે પીપીઈ કીટ નથી પહેરતા, છતાં કોરોના છેટો રહ્યો

મહિલા આગેવાન કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમ વિધિ માસ્ક કે પીપીઇ કીટ પહેર્યાં વગર કરતા હોવા છતાં આજ સુધી તેઓને ચેપ લાગ્યો નથી. અત્યાર સુધીમાં તેઓએ ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો છે પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે. તેઓ આ અંગે કહે છે કે રોગને મોત તો ખુદાના હાથમાં છે.

સિવિલનો સ્ટાફ માનવતા ચુક્યો
સિવિલનો જવાબદાર સ્ટાફ માનવતા વિહોણો અભિગમ દર્શાવતો હોવાથી મહિલા કાર્યકર મોતનો મલાજો જળવાઈ તે માટે આ નિ:સ્વાર્થ ભાવે સેવા કાર્ય કરે છે. જેમાં સિવિલના જવાબદાર સ્ટાફને જ ડેડ બોડી પેક કરવી, તેમના કપડાં ચેન્જ કરવા, તે કપડાંનો યોગ્ય નાશ કરવો અને તે જગ્યાએ સફાઈ કરવી સહિતનું કામ કરવાનું હોય છે. પણ સિવિલના સ્ટાફે આ જવાબદારીનો ઉલાળીયો કરી દીધો છે.

(11:45 pm IST)