Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોરોનાથી કણસતા કચ્છને તબીબી સુવિધા વધારવાના વાયદાનો મલમપટ્ટો કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 'કલેકટર, ડીડીઓ, ડીએચઓના નકારાત્મક અભિગમ અને તંત્રમાં સંકલનના અભાવ મુદ્દે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની પત્રકાર પરિષદમાં પ્રશ્નોનો મારો, કચ્છમાં નવી લેબ, બેડ, ઈન્જે. સપ્લાય સહિતની તબીબી સુવિધાઓ વધારવાનો સરકારનો વાયદો, ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને જ હોસ્પિટલમાં સારવાર અપાશે બાકીનાને ફરજિયાત હોમ આઇસોલેશન માં રહેવું પડશે

(વિનોદ ગાલા દ્વારા ભુજ) અત્યારે કોરોનાની માર ને કારણે કચ્છની પરિસ્થિતિ વણસી છે. એ સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભુજમાં વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લાની વર્તમાન સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પત્રકારો સાથે વાત કરતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યની સાથે કચ્છમાં પણ સંક્રમણ વધ્યું હોઈ પરિસ્થિતિ થોડી ગંભીર બની છે.

જોકે, રાજ્ય સરકાર વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સજજ છે એવું જણાવતા વિજયભાઈએ કચ્છમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની નવી લેબ બનાવવાનું કામ આવતીકાલથી શરૂ થશે એવી જાહેરાત કરી હવે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ૨૪ કલાકમાં મળતો થઈ થઈ જશે એવો વાયદો કર્યો હતો. જોકે, સમીક્ષા બેઠક દરમ્યાન પોતાને કચ્છમાં બેડ, ઇન્જેક્શન, વેન્ટિલેટર વિશેની રજૂઆતો મળી હોવાનું સ્વીકારતા વિજયભાઈએ પત્રકાર પરિષદમાં વધુ જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, ઓકસીજન, તબીબી સ્ટાફ સહિતની સુવિધા ધરાવતાં ૨૦૦૦ નવા બેડ સાથે અલગ અલગ જગ્યાએ હોસ્પિટલ ઊભી કરાશે.

થોડા સમયમાં જ કચ્છને ૮૦ નવા વેન્ટિલેટર પણ અપાશે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત અંગેની જાણકારી માટે દરેક હોસ્પિટલમાં અલગ ડેસ્ક બોર્ડ ઊભું કરાશે. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિકે પીએચસી, સીએચસીની નજીક બેડ સાથેની સારવારની સુવિધા ઊભી કરાશે જેથી શહેરની હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓને સારવાર મળી શકે. ગાંધીધામમાં કેપીટી હોસ્પિટલ, ભુજમાં અદાણી જીકે, લેવા પટેલ હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે બેડ વધારવા પણ ચર્ચા થઈ રહી હોવાનું જણાવ્યું હતું. મોરબીથી દર્દીઓ કચ્છ આવતાં હોઈ મોરબીમાં વધુ તબીબી સુવિધા ઊભી કરવાની જાહેરાત કરી વિજયભાઈએ ત્યાંના દર્દીઓને કચ્છ નહી આવવા અપીલ કરી હતી. તો, રેમિડિસિવિર ઈન્જેકશન ની ખેંચ હોવાનો સ્વીકાર કરી તબીબો જેમને ભલામણ કરે તેમને જ આ ઈન્જેકશન અપાશે અને ટુંક સમયમાં જ આ ઈન્જેકશનનો વધુ સ્ટોક મળતો થઈ જશે એવું જણાવ્યું હતું.

ખાનગી હોસ્પિટલો કોરોના ના દર્દીઓની સારવાર તેમ જ લેબ અને સીટી સ્કેન ની તપાસણી અંગે રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવો કરતાં વધુ ભાવ લેશે તો તેમની સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી વિજયભાઈએ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર રોકવા પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે એવું જણાવી તમામ લોકોને સરકારને સહકાર આપવા, વેક્સીનેશન કરાવવા, સ્વૈચ્છિક રીતે કોવિડના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. આઈએમસીઆરની ગાઈડ લાઇન પ્રમાણે ડેથ ઓડિટ પછી જ મૃત્યુ અંગેના આંકડા અપાતા હોઈ મોતના આંકડા બાબતે વિસંગતતાઓ પ્રવર્તતી હોવાનું જણાવી રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓ તેમ જ મોત વિશે કંઈ પણ છુપાવતી નથી એવો દાવો મુખ્યમંત્રીએ કર્યો હતો.

જોકે, ભુજમાં મુખ્યમંત્રી વિજયભાઈને સતત પત્રકારોના આક્રમક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. તેમાંયે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કચ્છની કોરોના ની સ્થિતિ અંગે ના દર્દીઓના આંકડા તેમ જ અન્ય માહિતી બાબતે જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. માઢક વચ્ચે આપસી સંકલનનો અભાવ અને કલેકટર, ડીએચઓ દ્વારા મીડિયા પરત્વે અપનાવાતો નકારાત્મક અભિગમ સંદર્ભે પત્રકારોએ સતત પ્રશ્નોનો મારો ચલાવતાં એક તબક્કે ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી મૂંઝાયા હતા.

તો, પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કચ્છના સ્થાનિક આગેવાન એવા રાજ્યમંત્રી વાસણભાઇ આહિર અને સાંસદ વિનોદ ચાવડાએ પણ મૌન રહેવાનું મુનાસિબ માન્યું હતું. જોકે, કોરોના કાળથી કચ્છના તંત્રના નકારાત્મક અભિગમથી અકળાયેલા પત્રકારોએ સતત તંત્રના નકારાત્મક અભિગમ અંગેના પ્રશ્નોનો મારો ચલાવતાં અંતે   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્રકાર પરિષદ પૂર્ણ કરી અને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને રૂબરૂ મળવા નીકળી ગયા હતા. પત્રકાર પરિષદ દરમ્યાન નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યની ધુરા સાંભળતા નીતિનભાઈ પટેલ મૌન જ રહ્યા હતા. હવે એ જોવું રહ્યું કે, કોરોનાથી કણસતા કચ્છને મુખ્યમંત્રી વિજયભાઈએ તબીબી સુવિધા વધારવાના વાયદાનો જે મલમપટ્ટો કર્યો છે, એ કેટલા સમયમાં પૂર્ણ થાય છે.

(8:17 pm IST)