Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ગોંડલમાં આર્ધ શતાબ્દી નિમિતે છલકાયુ સંતો - સ્વયંસેવકોના કળા - કૌશલ્યનું અદ્દભૂત નઝરાણું

થર્મોકોલ અને લોખંડના સ્ટ્રકચરમાંથી આકાર પામેલી ૭૦ ફુટ ઉંચી અને ૫૦ ફૂટ પહોળી વિરાટ અક્ષરદેરી : મુખ્ય સભાનું '૧૩૦' X '૧૭૦' X '૭૦'નું વિશાળ સ્ટેજ : દરરોજ સાંજે ૬:૩૦ થી ૧૦ વાગ્યા સુધી અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ લાઇટ એન્ડ સાઉન્ડ શો : કુલ ૧૬ દેવતાઈ સ્વરૂપોની પ્રતિમા : ૨૧૦ ફૂટ લાંબો, ૪૫ ફૂટ ઊંચો અને ૧૦ ફૂટ પહોળો પ્રવેશદ્વાર : શાસ્ત્રીજી મહારાજ,યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની ૧૮ ફૂટ કદની પ્રતિમા

ગોંડલઃ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા ગોંડલમાં છેલ્લા એક મહિનાથી અક્ષર મંદિરે સાર્ધ શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અક્ષર મંદિરની પાછળ આવેલી વાડીના વિશાળ પરિસરમાં સ્વામિનારાયણ નગર આકાર પામી રહ્યું છે. સ્વામિનારાયણ નગર ગોંડલના નગરવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવે જયારે ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અહીં ખરા અર્થમાં આખરી ઓપ આપવા માટે સંતો-સ્વયંસેવકો પોતાની કળા કૌશલ્યને નિચોડ ઠાલવી રહ્યાં છે.

આ મહોત્સવના કેન્દ્ર સ્થાને થર્મોકોલ અને લોખંડના સ્ટ્રકચરમાંથી આકાર પામેલી ૭૦ ફુટ ઉંચી અને ૫૦ ફૂટ પહોળી વિરાટ અક્ષરદેરી સૌના આકર્ષણનું માધ્યમ બની રહી છે. જેમાં  ૬ ફુટ ઉંચી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ કળા અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રતીક બની રહી છે. મહોત્સવની મુખ્ય સભાનું સ્ટેજ  '૧૩૦' x'૧૭૦' x '૭૦' વિશાળ છે. સ્ટેજની વચ્ચે વિરાટ અક્ષરદેરીની લક્ષમાં રાખીને દરરોજ સાંજે ૬:૩૦ થી ૧૦ વાગ્યા સુધી અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બધાને અભિભૂત કરી દેશે.

સ્વામિનારાયણ નગરમાં ઉત્ત્।મ ભકત થઈ ભગવાનની ઉપાસનાનું દર્શન કરાવતી અક્ષર-પુરુષોત્ત્।મની યુગલ પ્રતિમા પણ સૌને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. રાધાકૃષ્ણ,  સીતારામ, શિવ-પાર્વતી અને લક્ષ્મી-નારાયણના પૂર્ણ કદના ૪૦ ફૂટ ઊંચા અને ૨૦ ફુટ પહોળા એવા કુલ ચાર દેવ સ્વરૂપો મંદિરમાં મૂકવામાં આવ્યાં છે. સમગ્ર નગરમાં કુલ ૧૨ દેવની મૂર્તિઓ નગરમાં પ્રવેશ કરનારનું હાર્દિક સ્વાગત કરતી દેખાય છે. મુખ્ય સ્ટેજમાં પણ કુલ ૧૬ દેવતાઈ સ્વરૂપોની પ્રતિમા સૌને આકર્ષિત કરે છે. સ્વામિનારાયણ નગરમાં પ્રવેશતાં જ એક ભવ્ય ૨૧૦ ફૂટ લાંબો, ૪૫ ફૂટ ઊંચો અને ૧૦ ફૂટ પહોળો પ્રવેશદ્વાર ઉત્ત્।મ કલાકૃતિનો નમૂનો છે. પ્રવેશદ્વારની બરાબર પાછળ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની વિશાળ ૧૮ ફૂટની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. તેની જમણી તેમ જ ડાબી બાજુએ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની ૧૮ ફૂટ કદની પ્રતિમા ખૂબ જ અદ્બુત અને અવર્ણનીય છે. પ્રાચીનકાળથી ભારત ઋષિમુનિ-આચાર્ય અને ભકતોની ભૂમિ રહી છે. આજની યુવાપેઢીને ભારતીય સંસ્કૃતિના આવા મહાન વિભૂતિઓનો પરિચય થાય, તેમના જીવન વિશે જાણવા મળે તે હેતુથી સંત ઝરૂખા બનાવવામાં આવ્યા છે જેમાં સંત તુલસીદાસ, કબીરજી, જલારામબાપા, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મહાવીર સ્વામી, રામાનુજાચાર્ય, રોહીદાસ અને નારદજીની ૬ ફૂટની લાઈફ સાઇઝની મૂર્તિ મુલાકાતીનું મસ્તક ગૌરવથી ઉન્નત કરી દે તેવી આકર્ષક છે.

અહીં સેવા આપતાં પૂજય વિનમ્રમુનિ સ્વામીએ વધુમાં ઉમેર્યું કે  'આ સમગ્ર સુશોભન થરમોકોલ અને વુડન પ્લાયના ઉપયોગથી કરવામાં આવ્યું છે. જેમાં સંતો અને સ્વયંસેવકોના કલા કૌશલ્યનું દર્શન થાય છે. તમામ થર્મોકોલની ડિઝાઇનનું અદ્દભુત કટિંગ મહિલાઓ દ્વારા થયું છે. જે ખરેખર પ્રશંસનીય છે. આ અગાઉ તેઓને આ અંગેનો કોઈ જ અનુભવ ન હતો પરંતુ આ મહોત્સવની સેવા દ્વારા બધા આ પ્રકારનું ઉત્ત્।મ કાર્ય શીખ્યા છે જેનો તેમને અનહદ આનંદ છે. વળી અહીં બનાવવામાં આવેલ ૬ પ્રદર્શનખંડોમાં અધ્યાત્મ અને આધુનિકતાનો સુમેળ સાધીને અદ્બુત પ્રેરણાદાયી પ્રસંગો બતાવવામાં આવ્યા છે.

અક્ષર મંદિરનું સમગ્ર પરિસર હાલ રંગબેરંગી લાઇટોથી ઝગમગી રહ્યું છે. સાંજ ઢળતાં જ જાણે પૃથ્વી પર અક્ષરધામ ઉતરી આવ્યું હોય તેવો ઉત્ત્।મ નજારો ગોંડલમાં જોવા મળી રહ્યો છે. હજારો લોકો ઉત્સવ પહેલાં જ આવો અદ્દભુત ઝગમગાટ જોવા માટે અક્ષર મંદિર તરફ જ ડગ માંડે છે. આ તમામ સુશોભન પાછળ સંતો, સ્વયંસેવકો, બાઈ-ભાઈ તમામ આબાલ-વૃદ્ઘ રાત-દિવસ જોયા વગર ખડે પગે સેવામાં લાગીને આ મહોત્સવને સફળ બનાવવા માટે તનતોડ પરિશ્રમ કરી રહ્યાં છે.

(11:31 am IST)