Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કંડલા પોર્ટ ટ્રસ્ટને ૯૨ કરોડની રકમ જમા કરાવવાના હુકમ સામે કોમર્શીયલ કોર્ટમાં અપીલ

સામાવાળા કંપનીએ કેવીએટ દાખલ કરેલ હોય બંને પક્ષોને સાંભળ્યા બાદ જ અપીલનો નિર્ણય લેવાશે : સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૃતિઓની પેનલ દ્વારા કરાયેલ હુકમ સામે અપીલ થતા ખરાખરીનો કાનુની જંગ જામવાના એંધાણ

  રાજકોટઃ તા.૧૬, સુપ્રિમકોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ કંડલા પોર્ટ ટ્રસ્ટ (દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ) અને ચેન્નઇ સ્થિત જે.આર.ઇ. ઇન્ફા પ્રા.લી. વચ્ચે ચાલતા આર્બીટ્રેશન પ્રોસીડીંગ્સમાં કે.પી.ટી.ને રૂ. ૯૨,૮૨,૩૨,૭૨૪ બેંકના એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરવાવવાના આદેશને રાજકોટની કોર્મશીયલ કોર્ટમાં પડકારતા આગામી દિવસોમાં કાનુની જંગ જામશે તેવું ચર્ચાઇ રહયું છે.

 આ કેસની હકીકત એવી છે કે, કંડલા પોર્ટ ટ્રસ્ટ ( કે.પી.ટી.) દ્વારા મલ્ટીપર્પઝ કાર્ગોને બીલ્ટ- ઓપરેટ- ટાન્સફરથી ચલાવવા માટે આપવાનું હોવાથી ટેન્ડર બહાર પડાતા ચેન્નઇ સ્થિત જે.આર.ઇ . ઇન્ફ્રા પ્રા.લી.ને ટેન્ડર મળતા કે.પી.ટી. તથા જે.આર.ઇ. પ્રા.લી. વચ્ચે કાર્ગો બર્થ નં.૧૫ના ડેવલોપમેન્ટ માટે તા.૧૮/૦/૨૦૧૧માં બીલ્ડ - ઓપરેટર-ટ્રાન્સફર માટેનો કન્સેશન એગ્રીમેન્ટ ગાંધીધામ ખાતે થયેલ હતો અને તે એગ્રીમેન્ટ મુજબ બંને પક્ષકારોએ તેમા જણાવ્યા મુજબની શરતોને આધીન કાર્યો કરવાના હતા.

 સમય જતા બંને  પક્ષકારો વચ્ચે પેમેન્ટ અને કાયમી કાર્યવાહિ બાબતે વિવાદ થતા પક્ષકારો દ્વારા કરારની શરત મુજબ  કોઇપણ તકરાર ઉપસ્થિત થાય તો ત્રણ આર્બીટ્રેટરની પેનલ દ્વારા તેનું નિરાકરણ લાવવાનું હોય પક્ષકારોએ  સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયમૃતિશ્રી જસ્ટીસ આર. સી.લાહોટી, જસ્ટીસ જે.એમ. પંચાલ તથા જસ્ટીશસ એ.આર. દવેની નિમણુક આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ તકરારનું નિવારણ લાવવા માટે અરજી દાખલ કરવામાં આવેલ હતી.

  કે.પી.ટી. દ્વારા મુખ્યત્વે એવી રજુઆતો હતી કે જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા એવી તકરાર લેવામાં આવેલ કે ટર્મીનેટ યાને રદ કરવાની કાર્યવાહી કરતા પહેલા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લીની બાકી નિકળતી રકમ રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪ કન્સેશન એગ્રીમેન્ટમાં નકકી  મુજબ કે.પી.ટી. દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એસ્ક્રો ખાતામાં જમા કરાવ્યા બાદ જ ટર્મીનેશન સંદર્ભે નિર્ણય કરી શકાય. કે.પી.ટી. દ્વારા  જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ની કસુરને કારણે તેઓને ૨૪,૬૬,૦૨,૧૪, ૫૦૦ (આશરે બે હજાર ચારસો છાંસઠ કરોડ) ચુકવવા જવાબદાર થતાં હોવાનું જયારે સામા પક્ષે  જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા ખરેખર કે.પી.ટી. દ્વારા તેમને ૧૭,૬૯,૬૩,૪૯,૭૩૯ (આશરે સતરશો ઓગણાસીતેર કરોડ) આપવાના થાય છે તેવી સામ સામે માંગણીઓ ત્રણ નિવૃત ન્યાયમૂર્તિઓની  આર્બીટ્રલ ટ્રીબ્યુનલ સમક્ષ બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલ હતી.

 મુખ્ય તકરારનું નિવારણ થાય ત્યાં સુધીમાં  જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. દ્વારા આર્બીટ્રેશન એકટની કલમ-૧૭ મુજબ અરજી દાખલ કરી  કન્સેશન એગ્રીમેન્ટની શરત નં.૧૭.૧ અને ૧૭.૫ મુજબ મુખ્ય તકરારનો નિવેડો ન આવે ત્યાં સુધી વચગાળાની  રાહત રૂપે  કે.પી.ટી. દ્વારા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી. ના એસ.બી.આઇ.ના એસ્ક્રો ખાતામાં રૂ.૯૨,૮૨,૩૨,૭૨૪ જમા કરાવવા અરજી કરેલ હતી. જે અરજી આર્બીટ્રેશન એકટની જોગવાઇ અનુસાર રાજકોટની કોર્મશીયલ કોર્ટમાં તેમના  એડવોકેટ શ્રી નરેશભાઇ સીનરોજા મારફત અપીલ દાખલ કરેલ અને આર્બીટ્રલ ટ્રીબ્યુનલ દ્વારા કરવામાં આવેલ હુકમ રદબાતલ કરવા માંગણી કરવામાં આવેલ.

 જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.ને કે.પી.ટી. આવી અરજી કરશે તેવો અંદાજ હોય તેઓએ પહેલથી જ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત કોર્ટમાં કેવીએટ દાખલ કરી દીધેલ હતી અને તેઓને સાંભળ્યા વિના અદાલત કોઇ નિર્ણય ન કરે તેવી માંગણી કરેલ હતી જેથી અપીલ દાખલ કરાતા જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.  એડવોકેટ તુષાર ગોકાણી હાજર થયેલ હતા અને અદાલત હવે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ અપીલનો નિર્ણય કરશે. આવનારા દિવસોમાં સુપ્રિમ કોર્ટના ત્રણ નિવૃત ન્યાયમૂતિઓની ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ હુકમ સંદર્ભે કોર્મશીયલ કોર્ટ શું રૂખ અપનાવે છે. તે વકિલ આલમમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે.

 આ કામમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ વતી સિનીયર એડવોકેટ શ્રી નરેશભાઇ સીનરોજા (મો.૯૮૨૫૦ ૭૬૫૭૫) શ્રી ચિરાગ છગ રોકાયેલ છે. તેમજ  જે.આર.ઇ. ઇન્ફ્રા પ્રા.લી.  વતી બાહોશ યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ રોકાયેલ છે.

(4:03 pm IST)