Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મોરબી પંથકના ૪ શખ્સો શસ્ત્રો સાથે અભયસિંહ ચુડાસમા ટીમના હાથે ઝડપાતા રહસ્ય ગોરંભાયુ

મધ્ય પ્રદેશ સુધી શસ્ત્રો ખરીદી માટેની જોખમી સફર, સૌરાષ્ટ્રમાં સંગઠીત ગુન્હાખોરીનું ષડયંત્ર રચાઈ રહ્યુ છે કે શું ? : શસ્ત્ર સોદાગરો-શસ્ત્રોના ઉત્પાદકોના મૂળ સુધી પહોંચવા વડોદરા આર.આર. સેલની મદદમાં વિશેષ ટીમો રેન્જ વડાએ આપી

રાજકોટ, તા., ૧૬: તાજેતરમાં વડોદરા રેન્જ આઇજીપી અભયસિંહ ચુડાસમાએ આરઆરસેલ સહિત રેન્જના તમામ અધિકારીઓની એક બેઠક યોજી ગેરકાયદે શસ્ત્રો અને માદક દ્રવ્યોની સીન્ડીકેટ પર વોચ રાખવા અને બાતમીદાર નેટવર્ક એકટીવ કરવા માટે કેટલીક ખાસ ટીપ અને માર્ગદર્શન સાથે આપેલી સુચનાનો અમલ થતા જ સફેદ રંગની હોન્ડાઇ ક્રેટા કારમાંથી મોરબી જીલ્લાના હળવદ પંથકના ૪ શખ્સો હથીયારો સાથે મળી આવતા આ શખ્સોની પુછપરછ ખુદ રેન્જ આઇજીપી અભયસિંહ ચુડાસમાએ હાથ ધરતા કેટલીક ચોંકાવનારી અને શંકાસ્પદ હિલચાલોના ચિન્હો દ્રષ્ટિગોચર થયા છે.

મોરબી પંથકથી ઠેઠ મધ્યપ્રદેશના અલીરાજ સુધી શસ્ત્રો ખરીદી માટે આટલી લાંબી અને જોખમી મુસાફરી કરવાની હિંમત કરનારા શખ્સોનો ઇરાદો કોઇ સામાન્ય નહિ પરંતુ કંઇક અલગ જ વાતની ચાળી ખાતુ હોવાનું ભુતકાળમાં અનેક ગુન્હેગારોના મૂળ સુધી પહોંચેલા અભયસિંહ ચુડાસમાને તપાસમાં બહાર આવી છે.

ઉકત હથીયારો છોટા ઉદેપુરના એક વચેટીયા મારફત મધ્યપ્રદેશના બે સરદારજી પાસેથી ખરીદ કરાયાનું પ્રાથમીક તપાસમાં ખુલવા પામેલ છે. મોટી માત્રામાં પિસ્તોલ અને કાર્ટીસો ખરીદી સૌરાષ્ટ્રમાં કોઇ મોટી સંગઠીત ગુન્હાખોરીને અંજામ આપવાનો હેતુ તો નથીને? તે બાબતે પણ શંકા-કુશંકાઓ પેદા થઇ છે. અત્રે યાદ રહે કે, વડોદરા રેન્જના રીડર પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ આરઆરસેલ પીએસઆઇ એચ.પી.ઝાલા તથા ટુકડીએ કારને કોર્ડન કરી કારમાંથી જે ૪ શખ્સોને ઝડપ્યા તેમાં હળવદ પંથકના અમરશીભાઇ, વિક્રમભાઇ, ધમાભાઇ અને મહેશભાઇ હોવાનું ખુલવા પામેલ છે. જડતી દરમિયાન ૬ પિસ્તોલ, ૪ર કાર્ટીસો કબ્જે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ પાસેથી ઝડપાયેલા વિવિધ મોબાઇલોની કોલ ડીટેઇલ્સ કઢાવવા પણ આરઆરસેલ દ્વારા પ્રયાસો ચાલી રહયા છે. આરોપીઓએ હથીયાર ખરીદવા માટે કયા શસ્ત્ર સોદાગરોનો સાથ લીધો અને આ શસ્ત્રો કયાં બને છે? તે સ્થળે ત્રાટકી શકાય તે માટે વડોદરા રેન્જ વડાએ બનાવની ગંભીરતા સમજી છોટા ઉદેપુરના પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોરના માર્ગદર્શનમાં એક વિશેષ ટીમની રચના કરી હોવાનું જાણવા મળે છે.

દરમિયાન પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ વડોદરા રેન્જ વડા અભયસિંહ ચુડાસમાની સુચના મુજબ મધ્યપ્રદેશના એસપીનો સંપર્ક કરી મધ્યપ્રદેશના જે જીલ્લાના ગામમાંથી શસ્ત્રો ખરીદ્યા છે તે અંગે માહીતગાર કરી પગલા લેવા સુચવાયું છે.

(3:52 pm IST)