Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પોરબંદરના પાંડુરંગ પંડિતે સ્વામી વિવેકાનંદને શિકાગો ધર્મસભામાં જવા પ્રેરિત કરેલ

પોરબંદરના ડો. મોઢાણિયા કોલેજમાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણીઃ વિવેકાનંદની પોરબંદર મુલાકાતને યાદ કરી

પોરબંદર તા. ૧૬ : સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત બી.એડ.ના ભાવિ શિક્ષકો દ્વારા વાર્તાલાયો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

 

માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર.ગોઢાણીયા બી.એડ. કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ઉજવણીના પ્રારંભે કોલેજના ઇન્ચાર્જ આચાર્યા હિનાબેન ઓડેદરાએ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ કઇ રીતે બન્યા તેની વિસ્તૃત માહિતી આપીને સૌને આવકાર્યા હતા.

કોલેજના પ્રિન્સીપાલ અને કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ જણાવ્યું હતું કે, આનંદમાં જ્યારે વિવેક ભળે ત્યારે વિવેકાનંદ થવાય. જીવનમાં ચાર વેદ ન વાંચો તો કાંઇ નહી પરંતુ ચાર શબ્દો જવાબદારી, સમજદારી, વફાદારી અને ઇમાનદારી કેળવાય તે જરૂરી છે. કોલેજના પ્રોફેસર જયનાબેન મહેતાના માર્ગદર્શન તળે કોલેજના તાલીમાર્થીઓએ મનિષાબેન પરમારે સ્વામી વિવેકાનંદ જીવન દ્રષ્ટાંત અને તેના શૈક્ષણિક મૂલ્યો તેમજ સમૃદ્રી ઓડેદરાએ સ્વામી વિવેકાનંદના નેતૃત્વ, દયા, સાહસ, સત્ય, એકાગ્રતા અને નીડરતાના પ્રેરક પ્રસંગો રજુ કરીને સૌને અભિભૂત કર્યા હતા.

સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં જ માસ રહી એડમીની સ્ટ્રેટર કે જેઓ ૧૪ ભાષા જાણકાર હતા તેવા પાંડુરંગ પંડિત પાસે ફ્રેન્ચ ભાષા શીખીને શિકાગોની ધર્મસભામાં જવા પ્રેરત કર્યા હતા. સ્વામી વિવેકાનંદ શહેરની ગોપાલનંદજી હવેલીની મુલાકાત લીધી હતી એ સમયે જે પાટ પર બેઠેલા હતા તે પાટ પણ હવેલી ખાતેથી ઓરડામાં સ્મૃતિ તરીકે સાચવવામાં આવી છે. આર.જી.ટી. કોલેજના રાજ મહેલમાં રોકાયા હતા. પોરબંદરના સાગરકાંઠે સમુદ્રના પ્રબળ ભરતી-ઓટના મોજાનું અવલોકન કરતા હતા. સૌરાષ્ટ્ર ભ્રમણ દરમિયાન પોરબંદરના ભોજેશ્વર મંદિર કુછડીના ખીમેશ્વર મંદિરના દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રા. રાંભીબેન બાપોદરા, પ્રા. જયનાબેન મહેતા, પ્રા. જાનકીબેન જોષી, પ્રા. મનીષાબેન ઓડેદરા, સુપરીટેન્ડેન્ટ બાલુભાઇ ઉપાધ્યાય, જખરાભાઇ સહિત બી.એડ્.ના વિદ્યાર્થી ભાઇ-બહેનો જોડાયા હતા.

(12:55 pm IST)