Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોંડલ પંથકમાં ત્રણ સહકારી મંડળીના મગફળીના ગોડાઉનો ઉપર કલેકટરના દરોડા

ગોંડલ પ્રાંત-પુરવઠા સહકાર વિભાગને પણ દોડાવાયા : ધૂળ સહિતની ગેરરીતિ સબબ કાર્યવાહી ગોંડલના રામોદ-જામવાડી-પેકલાણીની ત્રણ સહકારી મંડળી ઝપટે : સવારના ૮ વાગ્યામાં વિક્રાંત પાંડેનું ઓપરેશન : માર્કેટ યાર્ડમાં પણ ટીમો ત્રાટકી : ૧પ ટ્રક ઝડપી લેવાયા : ૧પ કિલો મગફળીમાં ૧૦ કિલો ધૂળ નીકળી પડી

રાજકોટ, તા. ૧૬ : મગફળીના વેચાણ-હરરાજી દરમિયાન ગેરરીતિ-કમિશનની ફરીયાદો અને વ્યાપક પ્રમાણમાં ધૂળની ફરીયાદો- સતત માટી આવતી હોવાની ફરીયાદો બાદ આજે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ગોંડલ પંથકની ત્રણે-ત્રણે સહકારી મંડળીને ઝપટે લઇ સવારના ૮ વાગ્યાથી આ મંડળીઓના ગોડાઉનો ઉપર દરોડાનો દોર શરૂ કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે ધૂળની વ્યાપક ફરીયાદો આવી છે અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી છે. પરિણામે ગોંડલની રામોદ-જામવાડી અને પેકલાણીની ત્રણ સહકારી મંડળી ઉપર દરોડા પડાયા છે. એક મંડળીનું નામ પેકલાણી સહકારી મંડળી હોવાનું કલેકટરે ઉમેર્યું હતું.

કલેકટરે જણાવ્યું હતું કે, દરોડામાં પુરવઠા તંત્ર-સહકાર વિભાગ-ગોંડલ પ્રાંત-ગોંડલ મામલતદાર બધાને દોડાવાયા છે. હાલ ચકાસણી-ચેકીંગ ચાલુ છે, જથ્થો ગણાઇ રહ્યો છે. હિસાબો ચકાસાઇ રહ્યા છે, જથ્થો લીઝ કરવા અંગે હવે કાર્યવાહી થશે.

દરમિયાન સવારે ૧૧ વાગ્યે કલેકટરે ઉમેર્યું હતું કે ત્રણ ટીમો બનાવાઇ છે. એક સહકારી મંડળી અને એક માર્કેટ યાર્ડમાં ત્રાટકી છે. ૧પ ટ્રક પકડાયા છે, ૧પ કિલો મગફળીમાં ૧૦ કિલો ધૂળ નીકળી પડી છે. હાલ એકધારી તપાસ ચાલુ છે, બપોરે મોડેથી તમામ વિગતો બહાર આવશે.

(11:49 am IST)