Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગુરૂવારે પૂ. મોરારીબાપુના હસ્તે તલગાજરડામાં ચિત્રકુટ એવોર્ડ અર્પણ સમારંભ

ભાવનગર-કુઢેલી, તા. ૧૬ :. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂ. મોરારિબાપુ દ્વારા એનાયત થતા રાજયના પ્રાથમિક શિક્ષકો માટેના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ચિત્રકુટ એવોર્ડ માટે પસંદ થયેલા નામની ઘોષણા ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ, ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે.

પ્રતિ વર્ષ પ્રા. શિક્ષણ ક્ષેત્રે નમૂનેદાર કામગીરી કરનાર અગીયાર પ્રાથમિક શિક્ષકોને સને ૨૦૦૦ની સાલથી ચિત્રકુટધામ, તલગાજરડા દ્વારા પૂ. મોરારીબાપુના હસ્તે આ એવોર્ડ અર્પણ થાય છે.પસંદ થયેલા ૧૧ નિષ્ઠાવાન પ્રા. શિક્ષકોમાં સર્વશ્રી લાલજીભાઈ ભવાનભાઈ પંચાલ (હાથીપુરા પ્રા. શાળા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર), રામજીભાઈ નાથાભાઈ વણકર (પાલેશ ફળીયા પ્રા. શાળા, તા. લુણાવાડા, જિ. મહિસાગર), દિલીપસિંહ પ્રવિણસિંહ વિહોલ (મહાદેવપુરા પ્રા. શાળા, તા. વિજાપુર, જિલ્લ મહેસાણા), બિપીનભાઈ કોળઘાભાઈ પટેલ (ખોખરા ફળિયા પ્રા. શાળા, પારનેરા પાટડી, તા.જિ. વલસાડ), હિતેષભાઈ વસંતલાલ નાયક (દિધીયા આદર્શ શાળા, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), જીજ્ઞાબેન કૃષ્ણકાંતભાઈ ઠકરાર (કોટડા પ્રા.શાળા, તા. ખાંભા, જિ. અમરેલી), શૈલેષભાઈ હરિભાઈ ચૌધરી (ઘુટી પ્રા. શાળા, તા. ઉચ્છલ, જિ. તાપી), વિમલભાઈ પરસોતમભાઈ નકુમ (શિવા પ્રા. શાળા, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા), ધનજીભાઈ સુખાભાઈ ચાવડા (મેરૂપર પે સેન્ટર શાળા, તા. હળવદ, જિ. મોરબી), નરેશકુમાર મનગલાલ મહેતા (દિવેટીયા કન્યા શાળા, કરંજ-સુરત) તેમજ સંજયકુમાર છોટાલાલ પટેલ પૂ. વલ્લભાચાર્ય શાળા, નગર પ્રા. શાળા, કિશનવાડી, વડોદરા)નો સમાવેશ થાય છે. આ એવોર્ડમાં પ્રત્યેક શ્રેષ્ઠ શિક્ષકને રૂ. એકવીસ હજારની નકદ રાશિ, સન્માનપત્ર, શાલથી સન્માનિત કરવામાં આવશે.

ચિત્રકુટ એવોર્ડ સન્માન સમારોહ ૧૮ને ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામે આવેલ પ્રા. શાળા ખાતે યોજાશે. જેમા મહુવા તાલુકાના શૈક્ષણિક સંમેલનમાં મહુવા તાલુકાના પ્રા. શિક્ષકો હાજર રહેશે.

આ એવોર્ડ વિતરણ સમારોહ શિવકુંજ આશ્રમ-અધેવાડાના પૂ. સીતારામબાપુ ઉપસ્થિત રહેશે. સફળતા માટે જિલ્લા પ્રા. શિ. સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા, મહામંત્રી ગજુભા વાળા, મહુવા તાલુકા સંઘના પ્રમુખ ગણપતભાઈ પરમાર, મહામંત્રી અનંતરાય દિવાકર, ઉપપ્રમુખ ભરતભાઈ પંડયા, ટી.પી.ઓ. મકવાણા સહિતના જહેમત ઉઠાવેલ છે.

(11:34 am IST)