Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ધ્રોલ પાલિકાનું નવુ સીમાંકન જાહેર

નવા બોર્ડમાં ૧૪ પુરૂષો અને ૧૪ સ્ત્રીઓને સ્થાન મળશે

ધ્રોલ તા. ૧૬ :.. નગરપાલીકાની મુદત વર્ષ ર૦૧૮ ફેબ્રુ. પુર્ણ થતી હોય પાલીકા અને રાજય સરકાર દ્વારા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. રાજય ચૂંટણી આયોગે ધ્રોલ પાલીકાનું નવુ સીમાંકન પ્રસિધ્ધ કરી. કુલ સાત વોર્ડની રચના કરી ર૮ સદસ્યો સાથેનું નવુ બોર્ડ જેમાં ૧૪ પુરૂષ અને ૧૪ સ્ત્રી સદસ્યોને સ્થાન મળશે.

હાલમાં ધ્રોલ નગરપાલીકામાં કોંગી શાસન છે. નગરપાલીકાના બોર્ડમાં હાલ ર૧ સદસ્યો છે. જેમાં કોંગ્રેસના ૧૩ ભાજપના ૭, તથા એક અપક્ષ સભ્યોનું સંખ્યાબળ છે. ધ્રોલ નગરપાલીકાના વોર્ડ નં. ૬ અને ૧ ચૂંટાયેલા ભાજપના બે સભ્યો અંગેની પેટા ચૂંટણી, યોજવામાં આવેલ. ત્યારે આ રસાકસી ભરી ચૂંટણીમાં ભાજપની કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપના આગેવાનો સમક્ષ રજૂઆતો કરીને રેગ્યુલર ચીફ ઓફીસરની તાત્કાલીક બદલી કરવામાં આવે તો નગરપાલીકાની આ બંને બેઠકો તેમજ આગામી ધારાસભામાં પણ શહેરમાંથી લીડ મળે તેવી રજૂઆતો ને  લક્ષમાં રાખીને ચીફ ઓફીસરની બદલી કરવામાં આવેલ. પરંતુ આ બંને ભાજપની બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસને ફાળે ગયેલ. તેમજ તાજેતરમાં યોજાયેલ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શહેરમાંથી અગીયારસો જેટલા મતોની લીડ મળી હતી.

પાલીકાના ચીફ ઓફીસરની બદલીને સાત સાત માસનો સમય વીતી જવા છતાં સરકારશ્રી તરફથી હજૂ સુધી કાયમી ચીફ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલ નથી. આ પ્રશ્ન, આ ચૂંટણીમાં મહત્વનો મુદો બની શકે છે.

વર્તમાનમાં કોંગી શાસીત હોદેદારો રંભીબેન વરૂ, વીરમભાઇ વરૂ, અમીનભાઇ જન્નર, કલ્પેશ વરૂ, હાજી રફીક ડોસાણી, સહિતના સદસ્યોની ટીમે શહેરના વિકાસમાં અને પ્રજાકીય સુવિધાઓ ખૂબ જ સફળતા મેળવી છે.

(11:26 am IST)