Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સોરઠના ગામોમાં સ્વચ્છતા અને ખુલ્લામા શૌચમુકિત જાળવવા ગ્રામજનો જાગૃત થઇ રહ્યા છેઃ જેવીઆર મૂર્તિ

જુનાગઢમાં સરપંચોની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો

 જૂનાગઢ તા.૧૬ : દેશભરમાં છેલ્લા ત્રણ વર્ષથી યુધ્ધના ધોરણે ચાલી રહેલ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ ભારતના બધા જ ગામોમાં વ્યકિતગત શૌચાલયો બને અને લોકો તેનો નિયમિત ઉપયોગ પણ કરે એ માટે વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જુનાગઢ જિલ્લામાં પણ બનાવવામાં આવેલ શૌચાલયનો ઉપયોગ થતો રહે તથા ગામોમાં ખુલ્લામાં શૌચમુકિતનું સ્થાયિત્વ જળવાઇ રહે એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,જુનાગઢ અને ટાટા ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ખુલ્લામાં શૌચમુકિત સ્થાયિત્વની જીલ્લાકક્ષાની કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યશાળામાં આમંત્રિત સરપંચો, તાલુકા વિકાસ અધિકારીઓ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)નો અમલીકરણ સ્ટાફ તેમજ સ્વચ્છતા, આરોગ્ય અને મહિલા કલ્યાણ સાથે સંકળાયેલ વિભાગના જીલ્લાધિકારીઓ અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ,ગડુના પ્રતિનીધીશ્રીઓ પણ હાજર રહ્યા હતા.

કાર્યશાળાનો શુભારંભ જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,જુનાગઢ ના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો તેમના ઉદબોધનમાં તેમણે  ગ્રામ્યકક્ષાએ લોકોની સામેલગીરી વધે તો જ લોકકલ્યાણની યોજનાઓ નો ઉદે્શ સાર્થક થઇ શકે આથી ગામમાંથી વધુ ને વધુ લોકોને જોડવા જોઇએ.કાર્યશાળાના મુખ્યવકતા ટાટા ટ્રસ્ટ,મુંબઇના  જેવીઆર મૂર્તિએ ઉપસ્થિત સૌને પોતાના સંબોધન દરમ્યાન જણાવ્યું હતું કે ગ્રામ્યસ્તરે સ્વચ્છતા અને સ્વસ્થતા જળવાઇ રહે તથા લોકો શૌચાલયનો જ ઉપયોગ કરે એ માટે તેમણે પણ આગેવાની લેવી પડશે અને ગામમાં નિગરાની સમિતીઓ બનાવી જાગૃત થવું પડશે બધુ માત્ર સરકાર જ કરશે એવું માની લેવું યોગ્ય નથી. માંગરોળ તાલુકાના નવા-જુના કોટડા અને સરસાલી ગામની નિગરાની સમિતીના સભ્યોએ પોતાના ગામને કેવી રીતે ખુલ્લામાં શૌચમુકત બનાવ્યુ તેની સાફલ્ય ગાથા રજુ કરી હતી. માસ્ટર ટ્રેઇનર કમલેશભાઇ સોલંકી એ સહભાગીઓ સાથે સંવાદ દ્રારા રાષ્ટ્રીય કક્ષાએ ખુલ્લામાં શૌચમુકિત માટે થયેલ પ્રયત્નો અને મળેલ સફળતા અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતમાં જીલ્લા કો-ઓર્ડીનેટર ધર્મેન્દ્ર ગોહેલે કાર્યશાળાને સફળ બનાવવા સર્વે પાર્ટીસીપેન્ટસ તથા જીલ્લાની ટીમનો આભાર માન્યો હતો.(૨૧.૩)

(10:02 am IST)