Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

જેતપુરનાં મોટા ગુંદાળામાં ભાઈએ, બહેને અને પિતાએ અગ્નિદાહ દેતા સર્જાયા કરૂણ દ્રશ્યોઃ લગ્નની જાનના બદલે પુત્રની અર્થી નીકળતા અરેરાટી

જેતપુરઃ તાલુકાના ગુંદાળા ગામે રહેતા પટેલ પરિવારના ૯ યુવાનો એક સાથે કચ્છ ફરવા નીકળેલ. તેમની કારને ભૂજના લોરીયા ગામ નજીક ખાનગી બસે હડફેટે લેતા ૭ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજેલ અને ૨ યુવાનોના સારવાર દરમિયાન મોત નિપજતા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જાણે ગામ ઉપર આભ ફાટી પડયુ હોય.. કોઈને તેની બહેને, તો કોઈને ભાઈએ અને કોઈને તેના પિતાએ અગ્નિદાહ આપ્યો. બનાવની જાણ થતા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા મોટા ગુંદાળા પહોંચી જઈ પરિવારજનોને આશ્વાસન આપી મૃતદેહોને પી.એમ. કરાવી ગુંદાળા પહોંચાડવા તુરંત જ વ્યવસ્થા કરાવી હતી. આજ રોજ સવારથી ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ડોકટરોની ટીમ પણ તૈનાત રખાઈ હતી. બનાવની વિગત એવી છે કે, જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતા પરિવારના ૯ મિત્રોએ મકરસંક્રાંતિની રજાનો લ્હાવો લેવા કચ્છ ફરવા જવાનું નક્કી કરતી તા. ૧૩ના રોજ હાર્દિક રજનીભાઈ બાંમરોલીયાની ઈકો કાર નં. જીજે ૩ ઈસી ૩૬૮૧ વાળી લઈ રાત્રીના ૯.૩૦ કલાકના અરસામાં ગામના પાદરમાથી હાર્દિકે તેના મિત્રો પ્રશાંત રમણીકભાઈ કાછડીયા કે જે જેતપુરમાં સાડીના કારખાનામાં છાપકામની પરચુરણ મજુરી કરે છે. મિલન કાનજીભાઈ કોરડીયા જેને જેતપુરના મતવા શેરી વિસ્તારમાં ગોપી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન છે. પિયુષ અશોકભાઈ ખોખર જે બરોડા ખાતે અભ્યાસ કરેલ. વિજય ધીરૂભાઈ ડોબરીયા તે ભાવનગર ખાતે એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે. રવિ મનસુખભાઈ અભંગી, જેને ગામમાં શ્રીજી મોબાઈલ નામની મોબાઈલની શોપ આવેલી છે. આ તમામ મિત્રો ત્યાંથી કારમાં બેસી જેતપુરથી જયદીપ વિઠ્ઠલભાઈ બુટાણી જેને શહેરના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં ગીરીરાજ પ્રોસેસ નામક સાડીનું કારખાનુ છે. આ સાત ઉપરાંત તેમના અન્ય બે મિત્રો (૧) મોરબી અને (૨) ભુજ રહેતો હોય તે બન્નેને ત્યાંથી સાથે લેવાનુ નક્કી કરી મોરબી ખાતેથી રાજ વલ્લભભાઈ સેંજલીયા જે મોરબી સીરામીકના કારખાનામાં મજુરી કામ કરે છે. તેને લઈ ભુજ ગૌરવ નટુભાઈ કોટડીયા જે ત્યાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. તેને ત્યાંથી સાથે લઈ તમામ મિત્રો કચ્છ તરફ ફરવા નીકળેલ રાત્રીના ૨.૩૦ વાગ્યાના અરસામાં ભુજ નજીકથી મોટા ગુંદાળા ગામે રહેતા તેઓના મિત્રને મોબાઈલમા વાત કરેલ.અમે બધા પેેલેસ જોઇ કચ્છ રણ ઉત્સવમાં   જઇ રહયા છીએ. બાદમાં તેમની સાથે કોઇ વાતચીત થયેલ ન હોય સાંજના પ.૩૦ વાગ્યાના અરસામાં લોહીયા ગામ નજીક તેઓની ઇકો કારને ખાનગી ટ્રાવેલ્સની મીની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલ મોટા ગુંદાળાના ૯ યુવાનોમાંથી ૭ નું ઘટના સ્થળે જ મોત નિપજેલ. જયારે ર મીત્રોને સારવાર માટે હોસ્પીટલે ખસેડાતા સારવાર દરમ્યાન તેઓનું પણ મોત નિપજેલ. આ બનાવની જાણ મોટા ગુંદાળા ગામે થતા મૃતકના પરીવારજનો ઉપર આભ ફાટી પડયુ હતું. આ બનાવના નાના એવા મોટા ગુંદાળા ગામમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ ધોરાજીના કોંગી ધારાસભ્ય લલીતભાઇ વસોયા અને રાજકીય આગેવાનો તેમજ ગામના અગ્રણીઓ એકત્રીત થઇ મૃતકના પરીવારજનોએ સાંત્વના આપેલ. કાલે વહેલી સવારે ૭.૩૦ વાગ્યે તમામ મૃતકોના મૃતદેહો ગુંદાળા ગામે આવી પહોંચ્યા હતા. તમામની એકી સાથે ૯ મૃતકોની સ્મશાન યાત્રા ગામના પાદર ખાતે લાવી જયા સ્વામી નારાયણ મંદિરના સંત તેમજ જયેશભાઇ રાદડીયા સરપંચ વિઠ્ઠલભાઇ સહીતના આગેવાનોએ શ્રધ્ધાંજલી આપેલ. ગામમાં એક સાથે ૯ અર્થી ઉઠતા ગામ હિબકે ચડયું હતું. સ્મશાન યાત્રામાં પ હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. નાના એવા સ્મશાનમાં એક સાથે ૯ ને આગ દેવામાં આવ્યાની જેતપુર તાલુકામાં પ્રથમ ઘટના બની કોઇ પિતાના પોતાના એકના એક કંધોતરને તો કોઇ બહેન પોતાના ભાઇને અગ્નીદાહ આપેલ. આ ગોઝારા અકસ્માતમાં એક જ ગામના ૯ યુવાનોના મોત નિપજતા ગામ સજ્જડ બંધ રહ્યુ હતુ. નાના એવા ગામમાં એક સાથે આશાસ્પદ ૯ યુવાનોની અર્થી ઉઠતા ગામ લોકોની આંખોમાં આંસુનો દરીયો વહી રહ્યો હતો. મૃત્યુ પામેલ ૯ યુવાનો પૈકી હાર્દિક રજનીભાઈ બાંમરોલીયાના લગ્ન આગામી તા. ૨૨ના રોજ સુરત નિરધાર્યા હોય તેના પિતાએ બહાર ગામ જવાની ના કહેલ છતા હાર્દિકે બહાર ગામ ફરવા જવાની જીદ કરતા જવાની રજા આપેલ. પોતાના ઘેરથી આવતા અઠવાડીયે પોતાના પુત્રની વાજતેગાજતે જાન નિકળવાની હતી તેના બદલે આ સોમવારે ઘરેથી યુવાન પુત્રની અર્થી નીકળતા પરિવાર ભાંગી પડયો હતો (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(11:32 am IST)