Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જૂનાગઢ મોટી હવેલીના ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજશ્રી નિત્યલીલામાં પધાર્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૬ :. જૂનાગઢની મોટી હવેલીના ગોસ્વામી શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી આજે શનિવારે નિત્યલીલામાં પધાર્યા છે. તેમની અંતિમયાત્રા આજે સાંજે ૪ વાગ્યે જૂનાગઢમાંથી નીકળી હતી. તેમ મોટી હવેલી જૂનાગઢના પુષ્ટિસંસ્કાર સંસ્થાન દ્વારા જણાવાયુ છે.

પ.પૂજય ૧૦૮ શ્રી કિશોરચંદ્રજી મહારાજ જુનાગઢ જેવી પવિત્ર અને ઐતિહાસીક નગરીની મધ્યમાં આવેલ પંચહાટડી ચોકમાં આવેલી મોટી વહેલીની ગાદી પર બિરાજમાન ગૌસ્વામીશ્રી કિશોરચંદ્રજી મહારાજને સમગ્ર સોરઠ જુનાગઢ તેમજ સમગ્ર ગુજરાતમાં કોણ ન ઓળખી શકે.

આપશ્રીના પિતાશ્રી ગૌસ્વામીશ્રી પુરૂષોતમલાલજી મહારાજ આજ ગાદિ પર બિરાજીને સ્વતંત્રતા વખતે દુષ્કાળો વખતે કરેલા રાષ્ટ્રહિતના કાર્યો આજે પણ સમગ્ર જૂનાગઢ વાસીઓ યાદ કરે છે.

આપશ્રીને સૌરાષ્ટ્રના સર્વ નાગરીકો વૈશ્ણવો સાચા ગૌસેવક તરીકે પણ ઓળખે છે. આપશ્રીની ગૌસેવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ૧૯૮૭ ના દુષ્કાળમાં આપશ્રીએ પોતાની પ્રાઇવેટ સંપતી વહેચી ને પણ સમગ્ર સોરઠમાં ગામડે ગામડે કેટલ કેમ્પ ખોલીને દરેક પશુને નિરણની વ્યવસ્થા લાંબા સમય સુધી કરી હતી. જે કયારેય વિસરી નહી શકાય.

આપશ્રીનું જીવન સંપુર્ણ સાદગી, સાત્વીકતા, ધર્મ પરાયણતા અને ધર્મ, ગૌસેવા, જલસંચય, જેવી અનેક રાષ્ટ્રોપયોગી પ્રવૃતિ થી રંગાયેલું જોવા મળે છે. દરેક ધર્મના લોકો સાથે મળીને સમગ્ર સમાજ, રાષ્ટ્રને ઉત્થાન કરવાની આપણી નેમ છે. સમાજમાં ધર્મ પાલન, સદાચાર, સાત્વીકતા, ધ્યાન પરોપકાર જેવા ગુણો ખીલે એના માટે આપશ્રી ખુબ જ આગ્રહી છે. આપશ્રીનું સમગ્ર જીવન સતત પ્રવૃતિશીલ છે. આપ હંમેશા વૈશ્ણોવોના સંપર્કમાં રહો છો. સમગ્ર સોરઠ સૌરાષ્ટ્રના ગામડાઓનો પ્રવાસ કરે છે અને જીવનપયોગો ઉપદેશો આપી શાસ્ત્રોનું વેદોનું ગીતાનું સાચુ સ્વરૂપ સમજાવે છે. ગાય, ગીતા, ગામડુ આ ત્રણેય આપશ્રીને અતિ પ્રિય છે.

જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યની ૧૬મી પેઢીમાં આપશ્રીનું પ્રાગટય થયેલું છે. આપશ્રીનું બાળપણ માંડવી (કચ્છમાં) વિત્યુ ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ બોમ્બેમાં કર્યા આપશ્રી બી.એ. સુધીની પદવી ધરાવે છે. બાળપણથી આપશ્રી શાસ્ત્રો વેદ, ઉપનીષદો, ભાગવત વગેરે શાસ્ત્રનો અભ્યાસ કરેલો  છે.

(4:06 pm IST)