Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

દ્વારકા જીલ્લામાં ધો. ૧૦ - ૧૨ના બોગસ સર્ટી. બનાવી પૈસા ખંખેરતા 'આપ' પ્રમુખ ગઢવીની ધરપકડ

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર કે.જે. ગઢવી સામે કાર્યવાહીઃ અન્ય શખ્સોની સંડોવણી મુદ્દે તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૧૬ :. ખંભાળીયાના કજુરડા ગામના પાટીયા પાસે ઓફિસ ધરાવતા અને દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, હાલાર ટુ-ડે દૈનિકના માલિક અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના રાજ્યના પ્રમુખ સહિતના ઉચ્ચ કોટીના હોદ્દા ધરાવતા અને નીચી કોટીના કામ કરતા પરોડીયાના કારૂ અરજણભાઈ ભાન (કે.જે. ગઢવી)ની પોલીસે ધો. ૧૦ અને ૧૨ના બોગસ સર્ટી બનાવી આર્થિક લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરતા તેની ધરપકડ કરી તેમની સાથે આ રેકેટમાં સંડોવાયેલા શખ્સોની પોેલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ ખંભાળિયાના ઉગમણાબારા ગામે રહેતા પ્રવિણસિંહ પથુભા વાઘેલા (ઉ.વ. ૪૩) નામના આધેડે ખંભાળીયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેના પુત્ર વિરમદેવસિંહ વર્ષ ૨૦૧૭માં ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા આપી હતી અને તેમા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં ફેઈલ થતા તેમનુ આર્મીમાં જવાનું સપનુ ૨ોળાયુ હતુ. આ દરમિયાન મારા મિત્ર સુખદેવસિંહ ભીખુભા જાડેજાએ જણાવેલ કે મારા કૌટુંબીક પરિવારમાં એક પુત્ર ધો. ૧૦માં નાપાસ થયો હતો તેને કજુરડા પાટીયા પાસે માનવ મંદિર સ્કૂલમાં કે.જે. ગઢવી પાસે ધો. ૧૦ પાસ કરાવ્યું હતુ અને તેનો ૧૫ હજાર ખર્ચ થયો હતો.

આથી હું અને મારો મિત્ર કજરૂડા પાટીયા પાસે આવેલી કારૂભાઈ ગઢવીની ઓફિસે ગયા હતા અને વાતચીત કરતા કાળુભાઈએ કહેલ કે તમારા દિકરાને ધો. ૧૦ પાસ કરાવી આપીશ મેં આવા કેટલાક છોકરાને ધો. ૧૦ પાસ કરાવી આપ્યા છે. તમારે પરીક્ષા દિલ્હી બોર્ડમાં આપવાની રહેશે અને તેનો ખર્ચ ૨૭ હજાર થશે પાસ થવાની તમામ જવાબદારી રહેશે અને ભવિષ્યમાં પણ તમારા દિકરાને કોઈ નડતર ન થાય તે પણ મારે જોવાનું રહેશે તમે મારા ઉપર વિશ્વાસ કરો આથી મને કાળુભાઇ ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂ. ર૭ હજાર કાળુભાઇને આપ્યા હતાં. કાળુભાઇએ કહેલ કે પરીક્ષા આવશે એટલે હું તમને જણાવીશ. તમે હવે ચિન્તા ન કરતા તેનું અર્મીમાં જવાનું સપનું પણ પુરૂ થઇ જશે.

જે બાદ દોઢેક મહિના પછી મને ફોન આવેલ કે તમારા દિકરાએ ધો. ૧૦ની દિલ્હી બોર્ડની પરીક્ષા પાસ કરી છે તેનું રીઝલ્ટ તમે લઇ જાવ આથી હું અને મારો મીત્ર સુખેવસિંહ કાળુભાઇને ઓફીસે ગયા હતા અને મેં કાળુભાઇને જણાવેલ કે મારા પુત્રએ તો પરીક્ષા આપી નથી તો કેમ પાસ થઇ ગયો ત્યારે કાળુભાઇએ અમને અવું કહયું કે, દિલ્હી સરકારે ધો. ૧૦ ના તમામ છોકરાઓને પરીક્ષા લીધા ગર પાસ કરી દીધા છે. અને તમે નસીબદાર છો કે તમારા છોકરો પણ  પરીક્ષા આપ્યા વગર પાસ થઇ ગયો છે. આથી અમે ખુશ થઇ ત્યાંથી સર્ટી લઇને ઘરે આવી ગયા હતાં.

એ પછી આર્મીની તૈયારી માટે મારા પુત્રને ધો. ૧૧ અને ધો. ૧ર પાસ કરી ખંભાળીયા ગોરીયા કોલેજ ખાતે એડમીશન  મેળવી કોલેજના બે વર્ષ પાસ કરી હાલ ત્રિજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. હાલમાં આર્મીની ભરતી ચાલુ હોવાથી પુત્રએ ઓનલાઇન ફોર્મ ભરી ધો. ૧૦ માં જણાવેલ વિગત લખી આર્મીની દ્વારકા ખાતે દોડની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. અને આર્મી ઓફીસરને ધો. ૧૦ માં પાસ થયાનું સર્ટી તેમજ લીવીંગ સર્ટી સહિતના ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે જમા કરાવ્યા હતાં.

આ દરમિયાન ૧પ દિવસ પછી અમને સલાયા પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો આથી મારો પુત્ર અને ભાઇ કિરીટસિંહ બન્ને પોલીસ મથકે ગયા હતા ત્યાં અમને જણાવેલ કે, ધો. ૧૦નું દિલ્હી બોર્ડનું સર્ટી આપેલ તે આર્મીની ભરતીમાં બોગસ અને બનાવટી સર્ટી છે. આથી મેં કાળુભાઇ ગઢવીને ફોન કરતા તેમણે કહેલું કે મેં આપેલું સર્ટી. ઓરીજનલ છે. આ સર્ટી. ઓનલાઇન થયેલ નહીં હોય એટલે લોચો થયો હશે હું રાજકોટવાળા અશોકભાઇ લાખાણીને વાત કરૃં છું અને સર્ટી ઓનલાઇન કરાવી દઉં છું એવું હોય તો તમે રાજકોટ સાથે આવજો હું તમને તેમની સાથે મળાવી દઇશ આથી હું તથા મારો પુત્ર, મીત્ર સહિતના કાળુભાઇ અને તેમની સાથે દાવાભાઇ ગઢવી સાથે રાજકોટ ખોડીયારનગર-ર માં સીનીયર સેકન્ડરી સ્કુલ જઇ અશોકભાઇ લાખાણી વિશે પુછતા જાણવા મળ્યું કે અશોકભાઇનું  તો અવસાન થઇ ગયું છે. એ પછી અમેં આવતા રહ્યાં હતા અને અવાર-નવાર કાળુભાઇને ફોન કરતા તો તે ફોન ઉપાડતા ન હતા અને મહિલાઓને ફોન આપી દેતાં હતાં આથી અમને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ભોગ બન્યાનું લાગતાં અને મારા પુત્રની જીંદગી બગડી નાખતાં આ અંગે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઘેડની ફરીયાદ પરથી કાળુ ગઢવી વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ ની કલમ હેઠળ ગુનો નોંધી કાળુ ઉર્ફે કે. જે. ગઢવીની ખંભાળીયા પોલીસે અટકાયત કરી આ બોગસ સર્ટી. કૌભાંડમાં તેમની સાથે કોણ કોણ સામેલ છે અને આ સર્ટી કયાં બનાવ્યું સહિતની બાબતે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

(1:09 pm IST)