Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

યે ગીત ઉતર જાના ચાહિયે વરના અચ્છા નહીં હોગાઃ 'ગરબે કી રાત' ગીત સામે રાજભા ગઢવીએ કર્યો વિરોધ

બોલીવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીના ગીતને લઈ વિવાદ 'ગરબે કી રાત' ગીતને લઈ વિવાદ રમવા આવો માડી શબ્દ વખતે અશ્લીલ ડાન્સ

(વિનુ જોશી દ્વારા), જનાગઢ,તા.૧૬: ગુજરાતમાં નવરાત્રીના માહોલ વચ્ચે અનેક એવા માતાજીના ગીતો અવનવા આવી રહ્યા છે. પણ  આ અવનવા ગીત કરવામાં કેટલાક લોકો અશ્લીલતા દેખાડી રહ્યાના આરોપ લાગી રહ્યા છે. અને આવું જ કઈક બન્યું છે બોલીવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીના ગીતને લઈને..સપ્તાહ પહેલા જ લોંચ થયેલા 'ગરબે કી રાત'ગીતમાં 'રમવા આવો માડી' શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે ગીતના સીનમાં અશ્લીલ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ ગીતને વખોડાઈ રહ્યું છે અને લાગણી દુભાઈ હોવાના મેસજ અને વીડિયો ફરતા થયા છે તેવામાં ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આ ગીતમાં પટ્ટચિત્રને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

'ગરબે કી રાત'ગીતના સિંગર ભૂમિ ત્રિવેદી છે જ્યારે ગીતની રાહુલ શેટ્ટી દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી છે તેમજ  રાહુલ વૈદ્ય અને નીયા શર્મા ગીતમાં ડાન્સ કરે છે.

'ગરબે કી રાત' ગીતમાં ડાન્સની અશ્લીલતાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.ગીતમાં 'રમવા આવો માંડી રમવા આવો આજ માત મેલડી રમવા આવો, રમવા આવો માંડી રમવા આવો આજ માત મોગલ માંડી રમવા આવો' તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે પણ ગીતની કોરિયોગ્રાફીમાં મોટી ક્ષતિ છે.  આ લિરિકસ જ્યારે વાગે છે ત્યારે નીયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

લોક સાહિત્યકાર રાજભા ગઢવીને આ ગીત તેમના ચાહક વર્ગ દ્વારા મોકલવામાં આવ્યું હતું. અને ગીતમાં વર્ણવાયેલા શબ્દો અને ડાન્સને લઈને મોટો વિરોધ શૂર રેલાવવામાં આવ્યા.રાજભા ગઢવીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે માતાજીના નામે આવી અશ્લીલતા નહીં ચલાવી લેવાય, તેમને રાહુલ વૈદ્યને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે આ ગીતને તાત્કાલિક ધોરણે સોશિયલ સાઈટ પરથી ઉતારી દેવામાં આવે. હિન્દી શબ્દનો પ્રયોગ કરી વિરોધ કર્યો કે યે ગીત ઉતર જાના ચાહિયે વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ આ ગીતને લઈને ગુજરાત કલાવૃદ નાં સંસ્થાપક સંજય પંડ્યા, હીરેન જોશી, સનતભાઇ પંડ્યા, જીતુભાઈ પરમાર, દેવ ભટ્ટ તથા સમગ્ર ગુજરાત કલાવૃદની ટીમ સાથે અન્ય કલાકારો પણ રાજભા ગઢવીની સાથે રહી રોષ ઠાલવી રહ્યા છે અને કોઇપણ સંજોગોમાં આ ગીત સોસીયલ સાઇટ ઉપરથી ઉતારવામાં નહી આવે તો રાજભા ગઢવીનાં નૈતૃત્વમા કડક પગલાં લેવાંમાં આવશે તેવું ગુજરાત કલાવૃદનાં સંસ્થાપક સંજય પંડ્યા એ જણાવ્યું હતું.

(1:08 pm IST)