Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

અકસ્માત કેસમાં એસ.ટી. બસ ડ્રાઈવરને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

અમરેલી, જાફરાબાદ રૂટની એસ.ટી. બસના ચાલકે કરેલ

રાજકોટ, તા. ૧૬ :. અકસ્માતના કેસમાં એસ.ટી. બસના ડ્રાઈવરને એક વર્ષની સજા અને ૫૦ હજારનું વળતર ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામની વિગત એવી છે કે ગઈ તા. ૧૪-૧-૨૦૧૮ના રોજ નવેક વાગ્યે વઢેરા-કડીયાળી રોડ ઉપર કાળુભાઈ કવાડની ભાર રીક્ષા સાથે અમરેલીથી જાફરાબાદ જતી એસ.ટી. બસના ડ્રાઈવર વિજયભાઈ છોટાલાલ મારૂએ પૂરઝડપે અને બેફીકરાઈથી ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બસ ચલાવી ભાર રીક્ષા સાથે અકસ્માત કરી નિતા ઉર્ફે કાજલ કાળુભાઈ કવાડની મોત નિપજાવી અને અન્ય વ્યકિતઓને ગંભીર ઈજા પહોંચાડવા બદલ આરોપી સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(એ), ૩૩૭, ૩૩૮ મુજબનું ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું.

આ કેઈસ ચાલી જતા ફરીયાદી તેમજ ઈજા પામનાર સાહેદોની જુબાની તેમજ આશરે ૧૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન કરી આરોપી વિરૂદ્ધ પુરતો પુરાવો હોય જેથી જાફરાબાદની કોર્ટના જજ શ્રી યુ.ડી. જાંબુ દ્વારા સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી. ગાંધીની દલીલો અને પુરાવાઓનું મૂલ્યાંકનના આધારે આરોપીને આઈ.પી.સી. કલમ ૨૭૯ હેઠળ ૩ માસ ૩૩૭ હેઠળ ૩ માસ, ૩૩૮ હેઠળ ૩ માસ અને ૩૦૪(એ) હેઠળ ૧ વર્ષની સાદી કેદની સજા અને મૃત્યુ પામનાર અને ઈજા પામનારને રૂ. ૫૦,૦૦૦ અંકે રૂપિયા પચાસ હજાર પુરાનું વળતર ચૂકવવાનો હુકમ ફરમાવતા એસ.ટી. બસના ડ્રાઈવર વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

આ કામે સરકાર વતી સરકારી વકીલ શ્રી દિવ્યેશ બી. ગાંધી રોકાયેલ હતા.

(12:17 pm IST)