Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ધ્રોલના હમાપરમાં બિસ્માર રસ્તાનું કામ તંત્રએ ન કરતા ગામલોકોએ કરી નાંખ્યું

બિસ્માર રસ્તાના કારણે વારંવાર અકસ્માત સર્જાતા ગ્રામજનોએ 'અપના હાથ જગન્નાથ' કરીને ખાડા બુરવાનું શરૂ કર્યું : રાજ્યમંત્રી દ્વારા વોટસએપથી રજુઆત કરીને રસ્તા રીપેર કરવાના દાવાનો ફિયાસ્કો : અનેકવાર રજુઆતો છતાં કામગીરી ન કરતા રોષ

ધ્રોલ,તા. ૧૬: ધ્રોલ તાલુકાના હમાપર ગામે જર્જરીત રોડ ઉપર બે વર્ષથી ખાડા પડેલ હોય અને તંત્ર આ ખાડા બુરવાનું કામ ન કરતા અને જવાબદારીઓને ધ્યાન ન આપતા અંતે અકસ્માતના બનાવમાં ચાર યુવાનોને ગંભીર ઈજા થવાથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. અને ગ્રામજનો રોષે ભરાઈને હવે તંત્રની રાહ જોયા વગર માનવ જીંદગી બચાવવા માટે ગ્રામજનોએ જાતે ખાડા બુરવાનું કામ કરીને જવાબદાર લોકો સામે જોરદારનો ઝટકો આપ્યો છે.

ધ્રોલ તાલુકાના ખારવાથી હમાપર સુધીનો રોડ છેલ્લા બે વર્ષથી તુટી ગયેલ હોય અને આ રોડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો હોય રીપેર ન કરવાના લીધે તા. ૧૫ ના રોજ રાજકોટથી હમાપર ગામે લૌકિક ક્રીયા વાહનમાં આવતા ચાર આહીર યુવાનોનું વાહન બે - બે ફુટ ખાડામાં ખાબકવાના લીધે ગંભીર અકસ્માત થયો વાહન પલ્ટી મારી જતા ગંભીર હાલતમાં આ ચાર યુવાનોને રાજકોટ હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા બાદ જર્જરીત અકસ્માતનો પ્રશ્ન હમાપર ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

 ધ્રોલના હમાપર ગામે છેલ્લા બે વર્ષથી જર્જરીત રોડ મામલે ગ્રામજનોએ અનેક વખત માર્ગ અને મકાન વિભાગના ઈજનરો, જીલ્લા પંચાયતના સદસ્યથી માંડીને છેલ્લે છેલ્લે નવા મંત્રી મંડળના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વોટસેપ માધ્યમથી રોડ રીપેરીંગ માટે જાહેરાત કર્યા બાદ હમા૫૨ના ગ્રામજનોએ ઓનલાઈન રજુઆત, ગાંધીનગર ભાજપના આગેવાનો મારફત રજુઆત કરવાં છતા આ રોડ રીપેરીંગ અવારનવાર રજુઆત કરી પણ આ તંત્ર ને પેટમા પાણી નથી હલતુ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

હમાપર ગામના લોકો સવાલ કરી રહયા છે રાજય સરકારના રોડ ટેકસ, વાહન મારફત ટેકસ સહીત કરવેરા ભરવા છંતા સામાન્ય હમાપ૨નો રોડ નવો ન થાય તો કઈ નહી પરંતુ પેચવર્ક કરીને રીપેર ન કરવામાં આવે તો વિકાસ સેનો'તેવો સણસણતો આક્ષેપ કરીને 'સૌનો નો સાથ સૌનો વિકાસ'ના સુત્રની હાંસી ઉડાવી.. પણ ધ્યાન ન આપતા ભારે ઉહાપોહ બોલી ગયો છે. અને હવે ભાજપના આગેવાનો કે તંત્રની રાહ જોયા વગર 'અપના હાથ જંગન્નનાથ' સાથે જાતે આ રોડ ગ્રામજનો રીપેર કરવાની યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને ભાજપના 'વિકાસ'ના ખાડા બુરવા માટે હમાપરના ગ્રામજનોને કામ હાથ ધરતા શરમજનક કીસ્સો સામે આવી રહયો છે. (તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર-ધ્રોલ) 

(12:16 pm IST)