Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ભાણવડની પરીણિતાના આપઘાત પ્રકરણમાં ત્રણ સાસરીયાઓ સામે ગુનો

જામખંભાળિયા, તા. ૧૬ :. પારસનગર વિસ્તારમાં રહેતા ચંપાબેન ઉર્ફે દક્ષાબેન મહેશભાઈ સાદીયા નામના ૩૦ વર્ષના અનુ. જાતિના મહિલાએ ગુરૂવારે પંખા પર સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નિપજ્યુ હતું. આ પ્રકરણ સંદર્ભે મૃતકના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ભાઈ રાણાભાઈ જેસાભાઈ બાબરીયા (ઉ.વ. ૩૬) એ પોતાના બહેન ચંપાબેનના પતિ મહેશ ડાયાભાઈ સાદીયા, સસરા ડાયાભાઈ જેતાભાઈ સાદીયા અને સાસુ ભાનુબેન ડાયાભાઈ સાદીયા સામે ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. આરોપી પતિ મહેશના લગ્ન ચંપાબેન ઉર્ફે દક્ષાબેન સાથે પ્રથમ વખત આશરે છ વર્ષ પૂર્વે થયા હતા. બાદમાં પતિના ત્રાસથી છુટાછેડા લીધા બાદ પુનઃ સમાધાન કરી અને બીજી વખત ચંપાબેન ઉર્ફે દક્ષાબેન સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. તેઓને સંતાન ન થતા 'તને છોકરા થતા નથી, તું વાંઝણી છો' તેમ કહી, મારકુટ કરી અને સાસરીયાઓ દ્વારા દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો.

આરોપી સાસરિયાઓએ તેણીને મારકુટ કરી 'તું મરીજા, અમોને મોં દેખાડતી નહીં' તેમ કહેતા આ કાયમના કંકાસથી કંટાળીને તેણી મરી જવા માટે મજબૂર બની હતી અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૪૯૮(ક), ૩૨૩ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નિકુંજ જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(12:10 pm IST)