Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મોરબીના દરબાર ગઢ નજીક મોટર સાયકલ અથડાયા બાદ મારામારી, સામસામી ફરીયાદ

મોરબી, તા.૧૬: મોરબીના દરબારગઢ નજીક મોટરસાયકલ અથડાયા બાદ બોલાચાલી અને મારામારી થવા પામી હતી જે બનાવ મામલે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના ખત્રીવાડના રહેવાસી જુવાનસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હસુભાઈ ઉર્ફે ફૌજી નિમાવત મોટરસાયકલ ભટકાડતા ફરિયાદીએ દેખાતું નથી તેમ કહેતા ગાળો આપી ધારિયું અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી છે જયારે સામાપક્ષે લાલપરના રહેવાસી કલ્પેશ હસમુખ નિમાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જુવાનસિંહ જાડેજા સાથે તેના પિતાનું મોટરસાયકલ અથડાયું હોય જેને પગલે આરોપીએ પોતાના મોટરસાયકલમાંથી ધોકો કાઢી તેના પિતાને મારેલ અને ઝપાઝપી કરી છરી વડે માર મારી ઈજા કરી છે એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

મુનનગર ચોકમાં સટ્ટો રમતો ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મુનનગર ચોકમાં જાહેરમાં એક ઇસમ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે સ્થળ પર પહોંચીને આરોપી વિશાલ હસમુખ ગાંભવા રહે પંચાસર રોડ મોરબી મૂળ ડાયમંડનગર આમરણ વાળાને ઝડપી લઈને મોબાઈલ અને રોકડ સહીત રૂ ૨૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી પારસ ચંદુભાઈ વસાણી રહે સુરત વરાછા બ્રીજ પાસે વાળાનું નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

વવાણીયા ગામે વરલીનો જુગાર રમતો એક ઝડપાયો

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વવાણીયા ગામના હુશેની ચોકમાં એક ઇસમ જાહેરમાં વરલી જુગાર રમતો હોય જે બાતમીને પગલે માળિયા પોલીસે સ્થળ પરથી જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમતો મુસ્તાક અબ્દુલ ખોડ (ઉ.વ.૨૫) રહે માતમ ચોક માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયાના મોટા દહીંસરા ગામેથી ઇંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીને પગલે માળિયા પોલીસે દરોડો કર્યો હતો જેમાં આરોપી અજય રમેશભાઈ મિયાત્રા (ઉ.વ.૨૧) રહે મોટા દહીંસરા વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૭ કીમત રૂ.૨૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

(1:01 pm IST)