Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જામકંડોરણાના પી.એસ.આઇએ રાજકોટના યુવાન રોમીત પરમારના બંને હાથમાં 'પટ્ટા' ફટકારી ઝુડી નાંખ્યો

રૂરલ પોલીસ ફરી વિવાદમાં: જેતપુર બાદ જામકંડોરણામાં પોલીસ અત્યાચારની બીજી ઘટના : રોમીતના નાના ભાઇએ પ્રેમલગ્ન કરતા નિવેદન માટે બોલાવી પોલીસ મથકમાં ઢીબી નાંખ્યોઃ પી.એસ.આઇ ગોહિલ સહિત ત્રણ સામે પગલા લેવા એસ.પી.ને લેખીત ફરીયાદ

રાજકોટ, તા.૧૬: પોલીસ અત્યાચાર મામલે રૂરલ પોલીસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેતપુરની ઘટના બાદ જામકંડોરણા પોલીસે રાજકોટના યુવાનને નિવેદન માટે બોલાવી હાથમાં પટ્ટા ફટકારી અત્યાચાર ગુજારતા ભોગ બનનાર યુવાને જામકંડોરણાના પી.એસ.આઇ. સહિત ત્રણ સામે રૂરલ એસ.પી.ને લેખીત ફરીયાદ કરી છે.

આ અગાઉ પણ જામકંડોરણાના પી.એસ.આઇએ એક નિર્દોષ ક્ષત્રિય/ યુવાન ઉપર અત્યાચાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ફરીવાર જામકંડોરણા પોલીસ વિવાદમાં સપડાઇ છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં લાલબહાદુર સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા રોમીત ધીરૂભાઇ પરમારએ જામકંડોરણાના પી.એસ.આઇ જે.યુ.ગોહેલ, ભરત વરસાણી તથા સંજય ખુંટ સામે રૂરલ એસ.પી.ને લેખીત ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીનો નાનો ભાઇ હિરેન પિતા સાથે જામકંડોરણામાં રહે છે. હિરેને ગત તા.૨૮/૮નાં રોજ રિધ્ધી નામની યુવતી સાથે રજીસ્ટર્ડ મેરેજ કરી લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવેલ છે. અને હાલમાં આ બંને કયા છે તે ફરીયાદી જાણતા ન હોવા છતા સામાવાળા નં -૩ના કહેવાથી સામાવાળા નં.૨ નાએ ફરીયાદીને ગત ૨૨/૮નાં રોજ ફોન કરી મારી નાંખવાની ધમકી આપી કહેલ કે, મારી પુત્રી રિધ્ધીને ત્રણ દી'માં શોધી લાવ નહિંતર જામકંડોરણા પોલીસમાં મારી ખૂબ વગ છે તને ગૂમ કરી નાંખતા વાર નહિ લાગે. આ ધમકીના ફોન બાદ અમો ફરીયાદી નાના ભાઇની શોધખોળમાં લાગી ગયા હતા.

ત્યારબાદ તા. ૨૮-૮ના રોજ સામાવાળાએ અમો ફરિયાદીને ફોન કરી કહેલ કે, તારા ભાઇએ જે યુવતી સાથે લગ્ન કર્યા છે તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે અને તારે નિવેદન માટે જામકંડોરણા પોલીસ મથકે આવવું પડશે. આવું કહેતા અમો ફરિયાદી જામકંડોરણા પોલીસ મથકે ગયા હતા. જ્યાં યુવતીના પિતા પણ હાજર હતા ત્યારબાદ સામાવાળા નં. ૨ તથા ૩ પણ ત્યાં આવ્યા હતા અને તેઓ પીએસઆઇ ગોહિલની હાજરીમાં અમો ફરિયાદીને બેફામ ગાળો ભાંડતા અમો ફરિયાદીએ પી.એસ.આઇ. ગોહિલનું ધ્યાન દોરતા તેઓએ ઉશ્કેરાઇ જઇ અમો ફરિયાદીના બંને હાથમાં પટ્ટાઓ ફટકારી ઇજા કરી હતી. તેમજ ઝાપટ તથા ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો.

અમો ફરિયાદી કંઇ જાણતા ન હોવા છતાં અને નિર્દોષ હોવા છતાં નિવેદનના બહાને પોલીસ મથકમાં જામકંડોરણાના પી.એસ.આઇ. ગોહિલે હાથમાં પટ્ટા મારી અત્યાચાર ગુજારેલ હોય તેઓ સામે તથા સામાવાળા ૨ તથા ૩ના સામે કડક પગલા ભરવા અંતમાં રાજકોટના રોમીત પરમારે માંગણી કરી છે.

થોડા દિવસ પૂર્વે જામકંડોરણાના પી.એસ.આઇ. ગોહિલ એક ક્ષત્રિય યુવાનને પણ ઝુડી નાંખ્યો હતો. ક્ષત્રિય યુવાન પર  ગુુજરાયેલ અત્યાચારના મામલે જીલ્લાના વિવિધ ક્ષત્રિય સંગઠનોએ પી.એસ.આઇ ગોહિલ સામે પગલા ભરવા આવેદનપત્રો આપી રજૂઆતો કરી હતી. ત્યાં જામકંડોરણા પોલીસની વધુ એક અત્યાચારની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે.

(2:38 pm IST)