Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોંડલ સંપ્રદાયના દીર્ધતપસ્વીરત્ન પૂ. ગજેન્દ્રમુનિ મ.સા. કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય ૪પ વર્ષ વર્ષીતપની આરાધનાના તપસ્વીરત્ન પૂ. શ્રી ગજેન્દ્રમુનિ મ.સા.આજ તા. ૧૬-૯-ર૦ના સવારે ૯.રપ કલાકે સંથારા સહિત લોગસ્સસૂત્રનું સ્મરણ અને શ્રવણ કરતા કરતા કાળધર્મ પામેલ છે.

પૂ. શ્રી નો જન્મ જુનાગઢમાં પોષસુદ પાંચમને બુધવારે તા. ર૦-૧ર-૧૯૪૪ ના રોજ પુણ્યશાળી પિતા ભગવાનજીભાઇ જેઠાભાઇ સંઘાણી પરિવારમાં રત્નકુક્ષિણી માતા લીલાવંતીબેનની કૃક્ષિથી થયો હતો.

તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા. સમીપે તા. રર-પ-૧૯૭પના વૈશાખ સુદ સાડા અગિયારસને ગુરૂવારે જુનાગઢ શહેરમાં દીક્ષા ગ્રહણ કરી. તેઓ પૂ. રતિલાલજી મ.સા.ના સુશિષ્ય બન્યા ગોંડલ સંપ્રદાયના સંત બન્યા. સંયમની સાથે જ તપની આરાધના તપસમ્રાટના સાનિધ્યે પ્રારંભ કીર જીવનપર્યંત ચાલુ રાખી.

ગોંડલ સંપ્રદાયના પૂ. વિનોદીનીબાઇ મ.સ. જેઓ વર્તમાન સમયે રાજકોટ બિરાજમાન છે. તેમના લઘુબંધુ હતા પૂ. ભાવનાજી મ.સ.ના તેઓ સંસાર પક્ષે કાકા હતા.

૩૦ વર્ષની વયે સંયમ સ્વીકાર કર્યો, ૪પ વર્ષનો સંયમ પર્યાય પાળી, ૪પ વર્ષ વર્ષીતપની સુદીર્ધ તપસ્યા કરી, ૭પ વર્ષનુ઼ આયુષ્ય ભોગવી પૂ. ગજેન્દ્રમુનિ મ.સા.નો અમર આત્મા અમરતાના પંથે ચાલ્યો ગયો.

ગોંડલ સંપ્રદાયના ગગન મંડલમાંથી તેજસ્વી તારલો ખરી ગયો, ગોંડલ સંપ્રદાયને નજીકના ભવિષ્યમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ-ગોંડલ, ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ વતી સુરેશભાઇ કામદારે પાર્થિવદેહને શેલુ ઓઢાડેલ. ગોંડલ સંઘાણી સંપ્રદાય વતી પ્રમુખ અશોકભાઇ કોઠારીના સંદેશ પ્રમાણે તથા જુનાગઢ સંઘવતી લલિતભાઇ દોશી (પ્રમુખશ્રી જુનાગઢ), જુનાગઢ સંઘ કારોબારી વતી હિતેષ સંઘવી તથા સંઘાણી પરિવારવતી કેતનભાઇ સંઘાણી પરિવારે શેલુ ઓઢાડેલ.

ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જયરાજ મ.સા., સાહિત્ય પ્રેમી પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. શાસ્ત્ર વિશારદ પૂ. મનોહરમુનિ મ.સા. પૂ. ધીરજ મુનિ મ.સા, ગુજરા રત્ન પૂ. સુશાંત મુનિ મ.સા. રાષ્ટ્ર સંત પૂ. નમૂ મુનિ મ.સા. સદ્ગુરૂ દેવ પૂ. પારસમૂનિ મ.સા. સરલ સ્વભાવી પૂ. ચેતન મુનિ મ.સા. તથા સંયમ વરિષ્ઠ પૂ. પ્રાણકુંવરભાઇ મ.સા. પૂ. પ્રભાબાઇ (પ્રભુજી) મ.સ., પૂ. વિનોદીનીબાઇ મ.સા. સદાનંદી પૂ. સુમતિબાઇ મ.સા. આદિ સર્વ સંત-સતીજીએ ભાવાંજલી અર્પણ કરેલ છે.

તેમજ પ્રવિણભાઇ કોઠારી, સી.એમ. શેઠ, ઇશ્વરભાઇ દોશી, દિલિપભાઇ પારેખ, સુરેશભાઇ કામદારે ગોંડલ સંપ્રદાયવતી હૃદયાંજલી શ્રધ્ધાંજલી અર્પણ કરેલ છે.

(12:50 pm IST)