Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મોરબીના દાતા : સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરા તરફથી મેડિકલ સુવિધા માટે રૂ. 11 લાખનું અનુદાન

મોરબીની જનતાના દુઃખમાં સહભાગી થવાની તક મળી હોય ઉદ્યોગપતિઓએ તેને ઝડપીને હરહંમેશની જેમ સહાય માટે આગળ આવવા હાંકલ

મોરબી : ખમીરવંતા મોરબી ઉપર જ્યારે જ્યારે મુસીબતો આવી છે ત્યારે ઉદ્યોગપતિઓએ આગળ આવીને સહાયનો ધોધ વર્ષાવ્યો છે. કોરોના કાળમાં પણ આવું જ થઈ રહ્યું છે. દાતાઓ તરફથી ઉદારદિલે સહાય આપવામાં આવી રહી છે. જેમાં આજ રોજ સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ પણ મેડિકલ સુવિધા માટે રૂ. 11 લાખના અનુદાનની જાહેરાત કરી અન્ય ઉદ્યોગપતિઓને પણ આગળ આવવાની લાગણીસભર હાંકલ કરી છે.
મોરબીમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તંત્ર વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં અસમર્થ સાબિત થયું છે. જેથી હવે વ્યવસ્થા કરવા માટે સંસ્થાઓ મેદાનમાં આવી છે. ઉદ્યોગકારો પણ આ માટે અનુદાનનો ધોધ વર્ષાવી મેડિકલ સુવિધા વધુ અસરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજ રોજ સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાએ મેડિકલ સુવિધા 11 લાખના દાનની જાહેરાત કરી છે.
આ વેળાએ ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું કે આ મહામારી ભયંકર છે. આ સાચો સમય છે મોરબીને મદદ કરવાનો, જ્યાં જરૂરિયાત છે ત્યાં આર્થિક મદદ કરવા ઉદ્યોગપતિઓ આગળ આવે. મોરબીના આપતિના દિવસો આવ્યા છે ત્યારે મોરબીની જનતાની પડખે રહેવું તે આપણી ફરજ છે. ઉદ્યોગકારોને જનતાના દુઃખમાં સહભાગી થવાની તક મળી છે તે ઝડપી લેવી જોઈએ.

(1:23 pm IST)