Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છની ૩૩ પાલિકામાં ચૂંટણી જંગ

૧૨ જીલ્લામાં ચૂંટણી લડવા અસંખ્ય ઉમેદવારો મેદાનમાં: સોમવારે પરિણામ

રાજકોટ તા.૧૬: કાલે તા.૧૭ને શનીવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાની પેટાચૂંટણી યોજાશે. આ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ભાજપ,કોંગ્રેસની સાથો-સાથ અન્ય પક્ષોએ પણ ચૂંટણી જંગમા ઝંપલાવ્યુ છે.

 

તા.૧૯ને સોમવારે જુદી-જુદી બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવશે.

જે અંતર્ગત અમરેલી જીલ્લાની લાઠી, રાજુલા નગરપાલિકાની ચૂંટણી યોજાઇ છે આ ઉપરાંત ભાવનગર જીલ્લાના શિહોર, ગારીયાધાર, તળાજા, દેવભુમી દ્વારકા જીલ્લાની દ્વારકા, સલાયા, ભાણવડ, જુનાગઢ જીલ્લાના માંગરોળ, માણાવદર, બાંટવા, વિસાવદર, વંથલી, ચોરવાડ, રાજકોટ જીલ્લાની જેતપુર-નવાગઢ,ધોરાજી, ઉપલેટા, જસદણ,ભાયાવદર,જામનગર જીલ્લાની જામજોધપુર, ધ્રોલ કાલાવડ સુરેન્દ્રનગર જીલ્લાની સુરેન્દ્રનગર-દુધરેજ, થાનગઢ, બોટાદ, જીલ્લાની ગઢડા, ગીર સોમનાથની કોડીનાર, મોરબી જીલ્લાની હળવદ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાનાર છે.

સૌરાષ્ટ્ર-કચ્છની ૩૩ નગરપાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન થયા બાદ ૧૯ને સોમવારે મતગણતરી હાથ ધરાશે.

નગરપાલિકાની ચૂંટણીમા અસંખ્ય ઉમેદવારો મેદાનમાં છે અને રાજકીય પક્ષો માટે ખરાખરીનો ખેલ જામ્યો છે.

તળાજા

તળાજાઃ પાલીકાના ચૂંટણી જંગમાં આજે પ્રચાર પડઘમ શાંત થયા બાદ કાલનો દિવસ અને રાત કતલ અને ગાબડા પાડવાનો બની રહેશે. પ્રસાશન તરફથી શાંતીપૂર્વક મતદાન થઇ શકે તે માટે તૈયારીઓ પૂર્ણ થઇ છે ૧૪ બિલ્ડીંગમાં ૨૫ બુથ છે જેમાં ૨૧ સવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇ પૂરતો પોલીસ ફોર્સ ફાળવવામાં આવ્યો છે.

કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિભાગીય પોલીસ વડા બી.યુ. જાડેજાના મુખ્ય સુપર વિઝન સાથે બે પો.ઈ., ચાર પો.સ.ઈ., એસઆરપી અને પોલીસ જવાનો મળી ૫૯ અને ૩૪ હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. ચાર ગ્રુપ મોબાઈલ કેમેરામેન સાથે નજર રાખશે.

મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અધિક કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ, પી.એમ. ભટ્ટ, મામલતદાર અને નગરપાલિકાનો સ્ટાફ ફરજ બજાવશે.

મતદારો અને ખાસ કરીને કાર્યકરોને રીઝવવા માટે આજે મોટાભાગના વોર્ડ અને કાર્યાલયો પર નાસ્તો-જમણવાર માટે રસોડા ધમધમતા થયા છે.

સમાજ અને જ્ઞાતિલક્ષી બેઠકો બોલાવવામાં આવી રહી છે. સમાજના નામે સોગંદ ખવડાવી પોતાની તરફેણમા મતદાન કરાવવા માટે ઉમેદવારો એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે.

કોડીનાર

કોડીનારઃ પાલીકાની આવતીકાલે શનીવારે ૭ વોર્ડની ૨૮ બેઠકો માટેની ચુંટણીનું મતદાન થશે. જેમાં ૧૪૧૫૩ પુરૂષો અને ૧૩૩૩૯ સ્ત્રી મતદારો મળી કુલ ૨૭૪૯૨ મતદારે ૬૪ ઉમેદવારોના ભાવીનો ફેસલો કરશે. પાલીકાની ચુંટણી માટી તંત્ર દ્વારા તમામ કામગીરી આરોપી લેવામાં આવી છે. પાલીકાની ચુંટણી કુલ ૧૪ બિલ્ડીંગમાં ૩૬ મતદાન મથકોમાં યોજાશે. જેમાં તંત્ર દ્વારા તમામ ૩૬ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. ૨૮ બેઠકો માટે યોજાઇ રહેલી નગરપાલીકાની ચુંટણીમાં ૧૭મીએ મતદાન થયા બાદ તા.૧૯/૨ સોમવારે છારા  ઝાપામાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૫ ટેબલ ઉપર મતગણતરી થશે. સમગ્ર ચુંટણી પ્રકીયામાં અંદાજે ૩૫૦ જેટલા અધીકારીઓ રોકાયા છે. જયારે કોડીનારમાં શાંતીપૂર્ણ રીતે પાલીકાની ચુંટણી સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર  ગીર સોમનાથ જીલ્લાની વિવિધ બ્રાંચોની ટીમ કોડીનારમાં ખડકી દેવામાં આવી છે કોડીનાર નગરપાલીકા કબ્જે કરવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સિધી ફાઇટ થશે. ૨૮ બેઠકો માટે ભાજપના ૨૮, કોંગ્રેસના-૨૭ અને અપક્ષના ૯ મળી કુલ ૬૪ ઉમેદવારો વચ્ચે ચુંટણી જગ ખેલાશે.

ધોરાજી

પાલીકાની ચુંટણીમાં ૯૭ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે. જેમાં ભાજપ-કોંગ્રેસની NCP બસપા અને અપક્ષો વચ્ચે જંગમાં મુખ્યત્વે ભાજપ-કોંગ્રેસની લડાઇ જોવા મળે છે ત્યારે ભાજપ અને ૩૬ માંથી ૨૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે મુસ્લીમ અને દલીત વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા નથી માત્ર હિન્દુ વિસ્તારોમાંજ ઉમેદવારો ઉભા રાખ્યા છે જયારે કોંગ્રેસએ ૩૬માંથી ૩૬ ઉમેદવારો ઉભા રાખેલ હતા જેમાં વોર્ડ નં.૧માં મંજુલાબેન ભરવાડનુ ૩ સંતાનો હોવાના કારણે ફોર્મ રદ થયુ તો વોર્ડ નં.૩માં કોંગ્રેશના ઉમેદવાર મકબુલભાઇ ગરાણા બીન હરીફ થતા હવે ૩૪ ઉમેદવારો મેદાનમાં છે જયારે NCP એ ૨૪ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને બસપાએ ૮ અને અપક્ષો-૭ કુલ મળી ૯૭ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે

૯ વોર્ડ માટે ૩૬ ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમા કોંગ્રેસ પક્ષે તમામ બેઠકો પર ૩૬ ઉમેદવારો ઉતાર્યા હતા. જેમા વોર્ડ નં. ૧ મા કોંગ્રેસનું એક ફોર્મ રદ થયેલ અને વોર્ડ નં. ૩ માં કોેંગ્રેસની એક બેઠક મકબુલભાઈ ગરાણાની બીનહરીફ થવા પામી હતી. હાલ કોંગ્રેસ ૩૪ બેઠકો પર અને ભાજપાએ દલીત મુસ્લિમ વોર્ડને બાદ કરતા ૨૪ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. સાથો સાથ ૨૪ એનસીપી ઉમેદવારો અને બસપાના ૮ ઉમેદવારો તેમજ અન્ય અપક્ષો ચૂંટણી લડી લેવા મેદાને ઉતર્યા છે.

નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે હાલ તમામ ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. શહેરમાં બેનર, સ્ટીકર, ઝંડી, બાઈક રેલી, માઈક પ્રચાર, ગ્રુપ મીટીંગો અને જાહેરસભા પણ યોજાઈ હતી. આમ ચૂંટણી જંગ જીતવા ઉમેદવારોએ પોતાની પુરી તાકાત લગાવી દીધી છે.

ધોરાજી નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપા શાસીત નગરપાલિકાનું શાસન હતું. જેમાં નગરજનોએ અનેક મુશ્કેલી વેઠવી પડી હતી અને નગરપાલિકાના નિષ્ફળ શાસન બદલ રાજ્ય સરકારે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને ગેરલાયક ઠરાવ્યા હતા. આથી પ્રજા વચ્ચે ફરી વિશ્વાસ સંપાદીત કરવા ભાજપે ભારે જહેમત ઉઠાવવી પડશે.

જ્યારે કોંગ્રેસ પક્ષે પણ જનતાને સુશાસન, પારદર્શીતા અને સફળ સંચાલન નગરપાલિકાનું થાય તે માટે લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરવો પડશે. આમ બન્ને પક્ષે જનતાને વચનોના વિશ્વાસમાં લેવા આગેવાનો દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગારીયધાર

ગારીયાધાર : ચૂંટણીના પ્રચારા પડધમ શાંત થયા છે તેવામાં મતદાનોને ૧ દિવસના ગાળામાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કાપકૂપ માટેનો ખરાખરીનો ખેલ શરૂ થવા પામ્યો છે.

તમામ વોર્ડમાં ભાજપા કોંગ્રેસ અને ગુજરાત જનચેતના પાર્ટીના આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત સાથે પૈસા તોડ મહેનતો થઇ રહી છે. ભાજપાને ગઢ સાચવવા મટો સમગ્ર જિલ્લાના આગેવાનો સાથે ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, પ્રવિણભાઇ ધોધારી (કરંજ), માજી. ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળા, અરવિંદભાઇ ગોયાણી અને સાંસદ નારણભાઇ કાછડીયા સહિતના દિગ્ગજો ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા છે.

જયારે કોંગ્રેસમાં પણ પી.એમ. ખેતી બી.એમ. માંગકીયા, ગોવિંદભાઇ મોરડીયા સહિત ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના લાભુભાઇ કોત્રોડિયા પણ મીટીંગો સહિતની બોકસો યોજાઇ રહી છે જયારે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પણ પોતાના ઉમેદવારો માટે કાર્યકરોની ફોજ ઉતારાઇ છે.

આ તમામ મહેનતો હોવા છતાં ગારીયધાર ભાજપા-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પણ ખાનગી રૂહે પોતાના વ્યકિતગત મતા માંગણી કરતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે જેના કારણે આગેવાનોની ચિંતાઓ વધવા પામી છે. અપક્ષ ઉમેદાર તો વ્યીકતગત મત હોવાથી બન્ને પાર્ટીના પેનલ મત પર કાપ મુકાતો હોવાથી રાજકીય આગેવાનો સામે ભારે વિટંબણાઓ ઉભી થવા પામી છે.

વળી, આ ચૂંટણીનો રંગ કંઇક અલગ જ ઉભરતો હોવાથી શહેરની તમામ શેરી, મહોલ્લાઓમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ભજીયા અને જમણવારની મિજવાની અપાઇ રહી છે. તો કેટલાક વિસ્તાોરમાં ખાનગી ધોરણે દારૂની મહેફીલો થઇ રહી છે.

આ ચૂંટણીના જંગ તમામ પાર્ટીઓ દ્વારા ભારે મહેનતો કરવામાં આવી રહી છે. પરંતુ મતગણતરીના દિવસે કોનો ઘોડો વિજયી બને છે તે જોવું રહ્યું.

ભાવનગર

ભાવનગર : જિલ્લામાં સિહોર, તળાજાઓ ગારીયાવાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પાલીતાણાનગર પાલીકાની પેટા ચૂંટણી માટે ર૬ર ઉમેદવારો મેદાને જંગમાં છે જેમાં તળાજામાં ૬૪, સિહોર નગરપાલીકામાં ૧ર૧, ગારીયાધાર નગર પાલીકામાં ૭૧ માટે પાલીતાણા નગરપાલિકામાં પ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

તળાજા નગરપાલીકાની ચૂંટણીમાં પછાત વર્ગ સ્ત્રી અનામત બેઠક ઉપર જીલુબેન મદમદભાઇ નાગરીક બિન હરીફ થતા કુલ ૭ વોર્ડની ર૮ બેઠકોમાંથી હવે ર૭ બેઠકોથી ૪ ચૂંટણી યોજાનાર છે.

સિહોર નગર પાલીકાનાં ૯ વોર્ડની ૩૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧ર૧ ઉમેદવારો જંગમાં છે જયારે ગારીયાધાર નગરપાલીકાના ૭ વોર્ડની ર૮ બેઠકો ઉપર કુલ ૭૧ ઉમેદવારો મેદાને -જંગમાં છે. તા. ૧૭ને શનિવારે મતદાન છે. 

નગરપાલિકા ચૂંટણી કયાં-કયાં

જીલ્લો

નગર પાલિકા

ભાવનગર

શિહોર, ગારીયાધાર તળાજા

દેવભૂમિ દ્વારકા

દ્વારકા, સલાયા, ભાણવડ

જુનાગઢ

માંગરોળ, માણાવદર, બાંટવા, વિસાવદર, વંથલી, ચોરવાડ

કચ્છ

રાપર, ભચાઉ

રાજકોટ

જેતપુર -નવગઢ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ભાયાવદર

પોરબંદર

છાંયા, રાણાવાવ, કુતિયાણા

જામનગર

જામજોધપુર, ધ્રોલ, કાલાવડ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર-દુધરેજ, થાનગઢ

બોટાદ

ગઢડા

ગીરસોમનાથ

કોડીનાર

મોરબી

હળવદ

અમરેલી

લાઠી, રાજુલા, ચલાલા

(12:12 pm IST)