Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પોલીસ કાફલા પર હુમલોઃ ફોજદારનું દેવીપૂજક શખ્સ પર ફાયરીંગ

બહેનને સંક્રાંત કરવા ન મોકલનાર મોટા દડવાના નટુ ચારોલીયા અને તેના ભાઇઓની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા સાળા પલુ, શ્રવણ, બાલી, રાયધનને પકડવા આટકોટના નવાગામ ડેમ પાસે ઇન્ચાર્જ પીએસઆઇ રાણા અને ટીમ પહોંચતા દેવીપૂજકના ટોળાએ ઘેરી લઇ ધારીયાથી હુમલો કર્યોઃ પી.એસ.આઇ. યશપાલસિંહ બી. રાણા (ઉ.૨૫), ડ્રાઇવર કોન્સ. ગોવિંદભાઇ ઘાંઘળ (ઉ.૩૬)ને હાથ-પગમાં ધારીયાના ઘા ઝીંકાયાઃ બે રાઉન્ડ હવામાં ફાયર કરી ચેતી જવા કહ્યું છતાં ધારીયાનો ઘા કરનારા વિજય દેવીપૂજક (ઉ.૨૫)ના પગ પર ફાયરીંગઃ પોલીસે પકડેલા પલુ સહિત બે શખ્સોને છોડાવવાના પ્રયાસમાં ધમાલઃ આટકોટના નવાગામમાં મોડી રાત્રે બનાવ

આટકોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પ્રોબેશનલ પી.એસ.આઇ. યશપાલસિંહ ભરતસિંહ રાણા, સાળાઓના હુમલામાં ઘાયલ મોટા દડવાનો નટુ વેરશી ચારોલીયા (દેવીપૂજક) (ઉપર), તેની નીચે પી.એસ.આઇ. પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર અને તેમના ફાયરીંગમાં ઘવાયેલો વિજય દેવીપૂજક તથા છેલ્લે કોન્સ. ગોવિંદભાઇ નજરે પડે છે. તેના પગમાં વિજયએ ધારીયુ ઝીંકયું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: ગોંડલના મોટા દડવા ગામે ઘરેલુ ઝઘડામાં બનેવી અને તેના ભાઇઓની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા સાળા દેવીપૂજક શખ્સો આટકોટના નવાગામ ડેમ વિસ્તારમાં છુપાયા હોવાની માહિતી પરથી મોડી રાત્રે તેને પકડવા ગયેલા આટકોટ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ. રાણા અને ડ્રાઇવર પોલીસમેન સહિતના સ્ટાફે દેવીપૂજકોના ટોળાએ ઘેરી લેતાં અને ધારીયાના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી ગઇ હતી. પી.એસ.આઇ.એ સ્વબચાવમાં બે રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યા બાદ પણ હુમલાખોર પૈકીનો એક શખ્સ ધારીયુ લઇ સામે આવતાં તેના પગમાં ફાયરીંગ કરાતાં તેને ગોળી વાગી ગઇ હતી. પી.એસ.આઇ., કોન્સસ્ટેબલ અને ગોળીથી ઇજાગ્રસ્ત થયેલા દેવીપૂજક શખ્સને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં નટુ વેરશીભાઇ ચારોલીયા (ઉ.૩૦) નામના દેવીપૂજક શખ્સના ઘરે ગઇકાલે સાંજે પાંચેક વાગ્યે આટકોટથી આવેલા તેના સાળાઓ પલુ વશરામ દેવીપૂજક, સરવણ વશરામ, કટુ વશરામ અને રાયધન વશરામે આવી ઝઘડો કર્યો હતો. આ ચારેયે 'અમારી બહેન ચાંદુને શા માટે સંક્રાંત કરવા ન મોકલી?' તેમ કહી માથાકુટ કરી બનેવી નટુ પર ધારીયાથી હુમલો કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. બચાવવા વચ્ચે પડેલા નટુના બે ભાઇઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.નટુને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલમાં અને ત્યાંથી દેવ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે તેના બે ભાઇઓ રોહિત અને સંજયને ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પોલીસે નટુના ભાઇની ફરિયાદ પરથી તેના સાળાઓ પલુ, શ્રવણ, કટુ, રાયધન સહિતના વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દરમિયાન આટકોટ પોલીસ મથકના  પીએસઆઇ રજા પર હોઇ તેની જગ્યાએ ચાર્જમાં રહેલા પ્રોબેશનલ પી.એસ.આઇ. યશપાલસિંહ ભરતસિંહ રાણા (ઉ.૨૫)ને  રાત્રે માહિતી મળી હતી કે મોટા દડવામાં બનેવીની હત્યાનો પ્રયાસ કરી ભાગેલા તેના સાળા પલુ સહિતના બે શખ્સો આટકોટના નવાગામ ડેમ વિસ્તારમાં રહેતાં તેના સગાને ત્યાં છુપાયા છે. આ માહિતીને આધારે પી.એસ.આઇ. રાણા સહિત આઠેક કર્મચારીઓનો કાફલો રાત્રે દોઢેક વાગ્યે આટકોટ નવાગામ ડેમ પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી પલુ વશરામ દેવીપૂજક સહિત બે શખ્સને સકંજામાં લીધા હતાં.

દરમિયાન આ બંનેને પોલીસના સકંજામાંથી છોડાવવાના ઇરાદે દેવીપૂજકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું અને હથીયારો સાથે હો-હા મચાવી હતી. પી.એસ.આઇ. રાણા અને સ્ટાફે તમામને ચેતી જવા અને દૂર હટી જવા જણાવ્યું હતું. પરંતુ એક બે ત્રણ શખ્સ ધારીયા સાથે ધસી આવ્યા હતાં. આથી પી.એસ.આઇ. રાણાએ તેને ચેતવવા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા હતાં.

આમ છતાં એક શખ્સ ધારીયા સાથે ધસી આવ્યો હતો અને પી.એસ.આઇ. રાણા પર ધારીયુ ઉગામતાં તમેણે ડાબો હાથ આડો રાખી દેતાં ઇજા થઇ હતી. આમ છતાં તેણે બીજો ઘા ઝીંકયો હતો. તેમજ   ડ્રાઇવર કોન્સ. ગોવિંદભાઇ પોલાભાઇ ઘાંઘળ (ઉ.૩૬)ને જમણા પગમાં એક ઘા ઝીંકી દીધો હતો. અંતે પી.એસ.આઇ. રાણાએ સ્વબચાવમાં તેના પગમાં ફાયરીંગ કરતાં ગોઠણ નીચેના ભાગે ગોળી લાગી ગઇ હતી.

ત્યારબાદ વિજયને મુકીને ટોળુ ભાગી ગયું હતું. ઘટનાની જાણ થતાં પી.આઇ. કે.એમ. રામાનુજ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. વિજય દેવીપૂજકને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. તેમજ પી.એસ.આઇ. રાણા તથા કોન્સ. ગોવિંદભાઇને પણ સારવાર અપાઇ હતી.

પી.એસ.આઇ. વાય. બી. રાણાની ફરિયાદ પરથી વિજય દેવીપૂજક સહિતના ટોળા સામે રાયોટ, હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

(11:45 am IST)