Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરેન્દ્રનગરના સોની વેપારી ૧૦ દિ'થી ગુમ

બાઇક મુળી રોડ ઉપરથી રેઢુ મળ્યુઃ શકમંદોના નામ આપવા છતાં પોલીસે કાર્યવાહી ન કરીઃ પરિવારજનોનો આક્ષેપ

 સુરેન્દ્રનગર તા. ૧૬ : અહીંના એક સોની વેપારી છેલ્લા ૧૦ દિવસથી ગુમ થયા છતાં હજુ સુધી કોઈ સગડ નહીં મળતા વેપારીના પરિવારજનોએ પોલીસની નિષ્ક્રિયતાનો આરોપ મુકયો છે ૧૦ દિવસ પહેલા ગૂમ થયેલ યુવકનું બાઈક મુળી રોડ પર આવેલ નર્મદા કેનાલ નજીકથી તેના મિત્રોને બાઈક મળી આવ્યું હતું પરિવારજનોએ કેટલાક શંકમદના નામ આપ્યા છતાં પોલીસે તેની પૂછપરછ નહિ કરતા તેના પરિવારજનો અકળાયા છે.

આ અંગેની વિગત મુજબ સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર શકિત સોસાયટીમાં પરિવાર સાથે રહેતો અને મેળાના મેદાન વિસ્તાર પાસે સોની દુકાન ધરાવતો પરણિત વેપારી અમિત યોગેશભાઈ સોની,ગત તારીખ ૫ જાન્યુઆરીના રોજ બાઈક લઇ ઘેરથી દુકાને ગયો હતો.પરંતુ સાંજ સુધી ઘેર પરત ન ફરતા પરિવારજનોએ આસપાસ તેમજ સગાસંબંધીને ત્યાં શોધખોળ આદરી હતીપરંતુ યુવકનો કોઈ જ પતો ન લાગતા શહેરના એ-ડિવિઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ યુવકના ગુમ થયા બાદ બીજે દિવસે તેનું બાઈક મુળી રોડ પર આવેલ નર્મદા કેનાલ પાસેથી તેના મિત્રોને મળી આવ્યું હતું.માતા-પિતા, ભાઈ,પત્ની અને બે વર્ષની પુત્રી સાથે રહેતો વેપારી અચાનક ગુમ થઇ જતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ફરિયાદ લખાવ્યાને દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં નથી આવતી તેમજ યુવકના મોબાઈલની કોલ ડિટેઈલ્સના આધારે પણ કોઈ જ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.

અગાઉ થોડા વર્ષો પહેલા યુવક શેરબજાર સાથે સંકળાયેલ હતો ત્યારે ફરી આવા કોઈ વ્યવસાયને કારણે પણ યુવકનું અપહરણ થયું હોવાની આશંકા પણ પરિવારજનોએ વ્યકત કરી હતી.તેમજ શકમંદના નામો આપવા છતાં પોલીસે પૂરછપરછ ન કરી હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.

(11:43 am IST)