Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ચોટીલાના રેશમીયા ગામે બે વર્ષથી કંતાનના ઝુંપડામાં ચાલતી શાળાઃ ૪૭ વિદ્યાર્થીઓના 'ભાવી' સાથે ચેડા ?!!

બાળકોને સંજીવની દુધ કે મધ્યાહન ભોજન પણ ન મળતુ હોવાનો સૂરઃ બિલ્ડીંગ તૈયાર ન થાય ત્યાં સુધી વોટર પ્રુફ તંબુની વ્યવસ્થા જરૂરી : પ્રાથમીક સુવિધાના નામે 'મીંડુ' હોવાનું ધ્યાને ચડતા જ નોટીસ પાઠવાઇ

તસ્વીરમાં જે કંતાનનું ઝુપડું દેખાય છે તે ઝુંપડુ નથી પરંતુ બે વર્ષથી ચાલતી ચોટીલા તાલુકાની રેશમીયા ગામથી બે કીમી દુર આવેલ સીમ શાળા છે. (તસ્વીરઃ હેમલ શાહ-ચોટીલા)

વઢવાણ, તા., ૧૫: ચોટીલાના રેશમીયા ગામે કંતાન બાંધેલા ઝુંપડામાં છેલ્લા બે વર્ષથી શાળા-લાઇબ્રેરી ચાલી રહી હોવાથી અનેક વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહયું છે... આ મામલે નોટીસ પાઠવાતા દોડધામ થઇ પડી છે.

આ અંગે ચર્ચાની વિગત મુજબ રેશમીયા ગામે પ્રાથમીક શાળામાં બે શિક્ષકો દ્વારા ૪૭ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાઇ રહયો છે. પરંતુ શાળા શરૂ થયા પછી કાંઇજ પ્રકારનું ધ્યાન બે વર્ષ સુધી આપવામાં આવેલ ન હોવાથી બેદરકારી છતી થયા વિના રહેતી નથી !!

જાગૃત નાગરીકો તો એમ પણ કહી રહયા છે કે અભ્યાસ માટે બોર્ડ, ખુરશી, ટેબલ નજીકની શાળામાંથી મળેલ છે. જયારે વર્ગ ખંડોથી લઇને રોમીટેશન સહીતની તમામ પ્રકારની પ્રાથમીક સુવિધા છે જ નહી. તો વળી બાળકોને નથી સંજીવની દુધ મળતુ કે નથી મધ્યાહન ભોજન અપાતું. વાલીઓનું કહેવું છે કે શાળાનું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વોટર પ્રુફ તંબુની વ્યવસ્થા કરવી જોઇએ. જેથી બાળકો કડકડતી ઠંડી અને ઋતુઓના ભોગ ન બને.

દરમિયાન શાળાના આચાર્ય ગોબરભાઇએ કહયું હતું કે શાળાના નિયમીત પ્રગતી પત્રકમાં દરેક બાબતનો ઉલ્લેખ હોય જ છે. છતા મધ્યાહન ભોજન અને પુસ્તકાલય અંગે નોટીસ આપી ખુલાસો કરવા જણાવાયું છે. જે અચરજ પમાડે તેવું છે.

તો વળી તાલુકા પ્રાથમીક શિક્ષણાધીકારી ડી.એમ.ચૌહાણે જણાવેલ કે આવી રીતે શાળા ચાલે છે તે મારા ધ્યાને આવ્યું નથી. જે તે સમયે નવી શાળાની મંજુરી આપી ત્યારે સ્થાનીકોએ સરકાર રૂમ ન બને ત્યાં સુધી કોઇની પણ માલીકીમાં એક રૂમની સુવિધા આપવાની લેખીત ખાત્રી આપેલ હતી. જો કે જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સીમ શાળાના બિલ્ડીંગ માટે જમીનની દરખાસ્ત કલેકટરમાં મોકલી આપેલી. પરંતુ કવેરી નિકળતા કાર્યવાહી ચાલુ છે.

(1:11 pm IST)