Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

શિયાળ બેટના લોકોને રાશન લેવા ૪૦ કી.મી. દુર જાફરાબાદના ધક્કા

રાજૂલા તા. ૧પ :.. દસ હજારની વસ્તી ધરાવતા અમરેલીના દરિયાઇ ટાપુ શિયાળ બેટના લોકોને સરકારી રાશન લેવા ૪૦ કી. મી. દુર જાફરાબાદ જવું પડે છે સોના કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતિ છે. ર થી ૩ રૂપિયે કિલો મળતું સસ્તું સરકારી અનાજ મેળવવા પ૦ થી ૬૦ નો ખર્ચ કરવો પડે છે. અમરેલી જીલ્લાના દરિયાઇ ટાપુ શીયાળ બેટ રાજુલા - જાફરાબાદ તાલુકામાં આવેલો અહીં પીપાવાવ પોર્ટથી સાવ નજીક આ ટાપુ આવેલો છે અને લોકો ને હોડી મારફત અહીં પીપાવાવ થી શિયાળ બેટ જવું પડે છે તેમાં ર૦ થી રપ  મીનીટનો સમય બોટમાં લાગે છે ત્યારે આ શિયાળમાં હાલમાં પ૦ હજાર થી વધુ લોકોની વસ્તી આ ટાપુ પર નોંધાઇ છે જેમાં ૪ર૦૦ જેટલા વોટરો પણ નોંધાયા છે ત્યારે અહી લોકોને પાયાની સગવડોમાં ર૦૧૬ માં વીજળી મળી તે સિવાય અહી આ ટાપુના સરકારી સગવડોથી લગભગ વંચીત છે અહી મોબાઇલ ટાવર નથી કે નથી કોઇ બીજી સુવિધા આ ટાપુના લોકો લગભગ મત્સ ઉદ્યોગ સાથે જોડાયેલા છે અહી વસ્તી તો આ ટાપુની ખૂબ મોટી છે પરંતુ આ ગરીબ લોકોને સરકારી રાશન પણ આ ટાપુ પર મળતું નથી અહીના ટાપુના સરપંચ હમીરભાઇ શીયાળ જણાવે છે કે રાશન લેવા ટાપુના લોકોને જાફરાબાદ જવું પડે છે અહીં ટાપુમાં કોઇ સરકારી રાશનની દુકાન નથી તેથી લોકો ને ના છૂટકે જાફરાબાદ સુધી જવું પડે ત્યારે જાફરાબાદ અહીથી દરીયાઇ માર્ગે અને રોડ માર્ગે એમ બને માર્ગે દુર છે.

અહીથી ટાપુના લોકોને રેશન લેવા પહેલા તો હોડીમાં બેસીને પીપાવાવ આવું પડે અને ત્યાંથી રાજુલા બાદમાં રાજૂલાથી ચેક જાફરાબાદ આ લોકો ને રાશન પ્રાપ્ય  થાય તે સમગ્ર પ્રક્રિયામાં ૪૦ કી. મી. દુર થાય અને ર થી ૪ કલાકનો સમય બગડે ત્યારે થી ૩ રૂપિયે સસ્તુ અનાજ લેવા આ લોકોને ૪ કલાક બગાડી બોટ રીક્ષા અને બસનો સહારો લેવો પડે જેમાં ભાડુ જ તેમનું પ૦ રૂપિયા થાય જેથી સોના કરતા અહીના લોકોને ઘડામણ મોંઘી થઇ રહી છે તેથી લોકો હાલ રેશન લેવાનું પણ ટાળી રહ્યા છે ત્યારે ૬૦ વર્ષીય ઘેબા ભાઇ જણાવે છે કે મેં તો કેટલાય ટાઇમથી રાશન લેવાનું જ બંધ કર્ર્યુ છે કારણ કે બોટમાં બેસી પીપાવાવ જવાનું બાદમાં રીક્ષામાં બેસી રાજુલા જવાનું ર૦ કી. મી. થાય તેનું ટીકીટ ભાડુ અને રાજુલાથી  બસમાં બેસવાનું તે ર૦ કી.મી.નું અંતર વધુ ટીકીટ ભાડુ અલગથી તેમ સસ્તુ અનાજ આ લોકોને ખુબ મોંઘુ બની ગયું છે. ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે જાફરાબાદથી તેમના રાશનની દુકાન દુર કરી ભલે એકાદ અઠવાડીયામાં જ અહી દુકાન ખોલવામાં આવે એ તો લોકોને સરકારી રાશનનો લાભ મળે ગરીબ માણસોને ચેક જાફરાબાદનો ધકકો ન ખાવો પડે અને સોના કરતા ઘડામણ મોંઘી બને.

(1:08 pm IST)