Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

માળીયા મિયાણાના નવાગામે પોલીસના ડરથી કુદકો મારતા ઇમરાન કટીયાનું મોત થયું'તું

બન્ને ભાઇઓ લાકડા કાપતો'તાને પોલીસ આવી ચડતા તરતા આવડતુ ન હોવા છતા ઇમરાને નદીમાં ઝંપલાવ્યું

તસ્વીરમાં મૃતક ઇમરાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : રજાક બુખારી માળીયા મીંયાણા)

માળીયા મીંયાણા તા. ૧પ :.. માળીયા મીંયાણાના નવાગામના મુસ્લીમ યુવાનની ગઇકાલે નદીમાંથી લાશ મળી આવી હતી. આ યુવાને પોલીસના ડરથી નદીમાં ઝંપલાવ્યું હતું પરંતુ તરતા આવડતુ ન હોય ડૂબી જતા મોત થયાનું મૃતકના ભાઇએ જણાવ્યું હતું.

મળતી વિગતો મુજબ માળીયા મીંયાણાના નવાગામ પાસે આવેલ મચ્છુ નદીના કાંઠા પાસે નવાગામના બે મુસ્લીમ સગાભાઇઓ  લાકડા કાપતા હતા તે સમયે પોલીસ આવી ચડતા પોલીસના ડરથી ઇમરાન હનીફ કટીયા નામનો યુવાન ભાગ્યો હતો અને કંઇ સમજે તે પહેલા જ પોલીસમેન ને જોઇ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું યુવાનને તરતા ન આવડતુ હોવાથી કુદકો મારતાની સાથે જ નદીમાં ગરક થઇ ગયો હતો તુરંત તેના ભાઇએ ગ્રામજનોને જાણ કરતા સઘન શોધખોળ  આદરી હતી તેમજ ગ્રામજનોના કુશળ તરવૈયાઓએ યુવાનને શોધવા સારી એવી જહેમત ઉઠાવી નદીને ફેંદી નાખી હતી પરંતુ લાંબી શોધખોળ બાદ યુવાનની લાશ જ મળતા ગરીબ પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતકના સગાભાઇએ પણ જણાવ્યું હતું કે પોલીસના ડરથી મારા ભાઇએ નદીમાં કુદકો માર્યો હતો. અને જીવ ગુમાવ્યો હતો.

(11:31 am IST)