Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હળવદના રાતાભેરના પ્રવિણ ભરવાડને કાકા-ભાઇઓએ જુના મનદુઃખને લીધે પતાવી દીધો

ગત સાંજે બાઇક લઇને નીકળ્‍યો ત્‍યારે નીચી માંડલ અને રાતાભેર વચ્‍ચેના રસ્‍તા પર બોલેરોથી પીછો કરી માથા પાછળ ધારીયાનો ઘા ઝીંકી દેવાયો : મૃતકના કાકા કરસનભાઇ બીએમસી ડેરીનું સંચાલન સંભાળતા હોઇ ડેરીમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગનો દરોડો પડયો તેમાં પ્રવિણે ભાગ ભજવ્‍યાની શંકા કરી આઠ માસથી માથાકુટ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ : મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ : હત્‍યાનો ભોગ બનનારને બે પુત્રી અને એક પુત્ર છેઃ હાલમાં પત્‍નિ ભાનુ સગર્ભા

રાજકોટ તા. ૧૫: હળવદના રાતાભેર ગામમાં રહેતાં પ્રવિણ જોધાભાઇ પડહારીયા (ઉ.૩૦) નામના ભરવાડ યુવાનને તેના જ કાકા અને પિત્રાઇ ભાઇઓએ માથામાં ધારીયાનો ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. જુના મનદુઃખને લીધે હત્‍યા થયાનું ખુલતાં હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

હત્‍યાનો ભોગ બનનાર પ્રવિણના પિત્રાઇ ભાઇ અરજણભાઇ પડહારીયાના કહેવા મુજબ પ્રવિણ ગત સાંજે ચારેક વાગ્‍યે ઘરેથી બાઇક લઇને નીચી માંડલ તરફ જતો હતો ત્‍યારે રાતાભેર ગામથી દોઢેક કિ.મી. દૂર રસ્‍તા પર લોહીલુહાણ પડયો હોવાની જાણ ગામની કોઇ વ્‍યક્‍તિએ પ્રવિણના મોટાભાઇ બળદેવભાઇને કરતાં બધા ત્‍યાં દોડી ગયા હતાં. પ્રવિણ બેભાન  પડયો હોઇ અને માથા પાછળ ધારીયાનો ઘા હોય તેવો ઉંડો મોટો કાપો જોવા મળતાં હળવદ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. જ્‍યાં ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રારંભે તો અકસ્‍માતે ઇજા થયાની નોંધ થઇ હતી. પરંતુ અમે તપાસ કરતાં તેની હત્‍યા સગા કાકા કરસનભાઇ કાનાભાઇ પડહારીયા, તેના પુત્રો મેરૂ કરસનભાઇ, જયપાલ કરસનભાઇ, હમીર પુનાભાઇ અને અરજણ પુનાભાઇએ કરી હોવાનું જાણવા મળ્‍યું હોઇ અમે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમની માંગણી કરતાં લાશને રાજકોટ ખસેડાઇ હતી.

અરજણભાઇએ વધુમાં કહ્યું હતું કે હત્‍યાનો ભોગ બનનાર પ્રવિણ બે ભાઇ અને સાત બહેનમાં બીજો હતો અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેમજ હાલમાં પત્‍નિ ભાનુ સગર્ભા છે. પ્રવિણ ખેતી અને પશુપાલનનું કામ કરતો હતો. ગત એપ્રિલ માસમાં તેના કાકા કરસનભાઇ પડહારીયા કે જે ગામની બીએમસી ડેરીનું સંચાલન સંભાળે છે અને પ્રમુખ છે તે ડેરીમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગનો દરોડો પડયો હતો. આ દરોડામાં પ્રવિણે ભાગ ભજવ્‍યાની કાકાને શંકા હોઇ ત્‍યારથી બંને વચ્‍ચે મનદુઃખ ચાલતું હતું. જે તે વખતે પણ પ્રવિણના કાક અને પિત્રાઇ પર હુમલો કરાયો હતો. આ બાબતનો જુનો ખાર રાખી ગત સાંજે પ્રવિણ બાઇક લઇને જતો હતો ત્‍યારે કાકા કરસન સહિતનાએ બોલેરોથી પીછો કરી તેને નીચ માંડલ, રાતાભેર વચ્‍ચેના રસ્‍તા પર આંતરી માથામાં ધારીયાનો ઘા ઝીંકી દઇ પતાવી દીધો હતો.

પી.આઇ. બી.ટી. વાઢીયાએ અરજણ તેજાભાઇ પડહારીયા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી મેરૂ કરસન, મહિપાલ કરસન, કરસન કાના પડહારીયા, હમીર પુના, અરજણ પુના સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

 

(11:19 am IST)