Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

સુરેન્દ્રનગરમાં બાઈક ચોરી કરતી ગેંગ આખરે ઝડપાઈ

અમેરિકામાં હતો ૧.૫ લાખનો પગાર : ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા ૭.૬૦ લાખની કિંમતના ૪૦ ચોરીના બાઇક કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર,તા.૧૫ : સુરેન્દ્રનગર સહીત અનેક જિલ્લામાંથી બાઇકની ઉઠાંતરી કરનાર ચોટીલાના બે શખ્સોને અને ચોરીના બાઇક છુપાવી વેચાણ કરતા સાયલાના શખ્સ સહીત ત્રણ શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યાં છે. આ ત્રણેય શખ્સો પાસેથી રૂપિયા ૭.૬૦ લાખની કિંમતના ૪૦ ચોરીના બાઇક કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઇ કાપડીયા અને રાજુ મોહનભાઈ ગીલાણીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની વધુ પુછપરછ હાથ ધરતા આ બન્ને શખ્સોએ ભેગા મળી કુલ ૪૦ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરેન્દ્ર નગરનાં ડીવાયએસપી, એચપી દોશી ચોરી કરેલા બાઇક સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના રામસીંગ જકશીભાઇ બોહકીયાને વેચાણ કરવા માટે આપ્યા હોય તેની વાડીમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે વાડીમાંથી કુલ ૪૦ બાઇક સાથે રામસીંગને પણ દબોચી લીધો હતો.

        સિરાજ અને રાજુની બાઇકચોરી કરવાની પણ અલગ જ મોડસ ઓપરેન્ડી હતી જે જગ્યાએ થી બાઇકચોરી કરવાની હોય તે જગ્યાની તેઆએ પહેલા રેકી કરી આવતા હતા અને બીજા દિવસે ચોટીલાથી એસટી કે ખાનગી બસમાં જઇ નક્કી કરેલી જગ્યાએ થી માસ્ટર કી વડે બાઇકની ઉઠાંતરી કરી ધારાડુંગરી ગામે આવેલી વાડીમાં બાઇક મુકી આવતા હતા. બાઇકની ચોરી કરવા માટે મોટા ભાગે હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પેટ્રોલ પંપ જેવા પાર્કિંગના સ્થળો જ પસંદ કરતા હતાં. ચોરીના બાઇક ધારાડુંગરી ગામનો રામસીંગ વેચતો હતો તે ગ્રાહકોને ફસાવવા માટે બાઇક ફાઇનાન્સનાં હપ્તા ન ભરેલા હોય ખેંચેલા હોવાનું કહેતો અને અડધા પૈસા અત્યારે આપો અડધા આરસી બુક આપુ પછી આપજો તેમ કહી ગ્રાહકોને ફસાવવાનો પ્રયત્ન કરતો હતો અને એક બાઇક દીઠ ૨ હજારથી અઢી હજાર કમિશન લેતો હતો. આરસી બુક ન આપી શકતા મોટા ભાગના બાઇક વેચાયા ન હતા ને પોલીસે ત્રણેય શખ્સોને દબોચી લીધા. પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહીત ઇતિહાસ તો ધરાવે છે જેમાં સિરાજ અગાઉ જાલીનોટ તેમજ વાહનચોરી તેમજ રાજુ અને રામસીંગ પણ બાઇકચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે. પોલીસ સુત્રો પાસેથી એવી પણ વિગતો મળી છે કે સિરાજ અંદાજે ૧૦ થી ૧૨ વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતો હતો અને લગ્ન કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો.

(8:47 pm IST)