Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કચ્છમાં ગર્ભ વિજ્ઞાનની તબીબી ટેકનોલોજીનો ચમત્કારઃ દાદીની ઉંમરે માતૃત્વ, લગ્નના ૪૫ વર્ષ પછી બાળકનો જન્મ

શેર માટીની ખોટ પૂર્ણ કરવા રબારી દંપતી જીવુબેન અને વાલાભાઇ રાપરના મોડા ગામની ભુજ સુધી ૧૫૦ કીમી દૂર સારવાર માટે આવતાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫: ગર્ભ વિજ્ઞાનની આધુનિક તબીબી ટેકનોલોજીએ કચ્છમાં ચમત્કાર સજર્યો છે. ૬૫ વર્ષીય રબારી મહિલા જીવુબેનને ત્યાં લગ્ન ના ૪૫ વર્ષ પછી બાળકનો જન્મ થયો છે. સામાન્ય રીતે આપણા સાંસારિક જીવનમાં ૬૫ વર્ષની વય એ દાદીની ઉંમર ગણાય છે. તેમાંયે વૃદ્ઘ વયે મહિલાઓની માસિકની આવતું બંધ થઈ જતું હોય છે. તો, મેનોપોઝના અને ગર્ભાશયના સંકોચાઈ જવા ની સમસ્યા વચ્ચે સ્ત્રી બીજ તેમ જ પુરુષ શુક્રાણુનું ફ્લીનીકરણ મંદ પડે છે. આવા સંજોગોમાં તબીબી વિજ્ઞાન માટે આઈવીએફ સારવાર પદ્ઘતિ પણ સફળ થવી વધુ મુશ્કેલ હોય છે.

આ જ વાત બાળકની ઈચ્છા લઈને તેમની પાસે સારવાર માટે આવેલા જીવુબેન અને તેમના પતિ વાલાભાઈ રબારીને ભુજના ગાયનેક ડોકટર નરેશ ભાનુશાલીએ કરી હતી. પરંતુ જીવુબેનની માતા બનવાની જિદ્દ અને ઝંખના તેમ જ તેમના પતિ વાલભાઈની પણ વિનંતીને પગલે ડો. નરેશ ભાનુશાલીએ સારવાર શરૂ કરી. આઈવીએફ પદ્ઘતિ સાથે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરપી દ્વારા ડો. નરેશ ભાનુશાલીએ જીવુબેનની સારવાર શરૂ કરી. પ્રથમ પ્રયાસમાં જ સ્ત્રી બીજ અને શુક્રબીજનું ફ્લીનીકરણ થઈ ગયું. નવમા મહિને જીવુબેને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો અને ગર્ભ વિજ્ઞાનની આધુનિક તબીબી ટેકનોલોજીએ દાદીની ઉંમરે ૬૫ વર્ષીય જીવુબેન અને ૭૦ વર્ષીય વાલાભાઈ રબારીને દ્યેર પારણું બંધાયું. ૪૫ વર્ષના લગ્ન જીવન પછી માતા પિતા બનનાર ગ્રામીણ રબારી દંપતી ડો. નરેશ ભાનુશાલી પ્રત્યે અહોભાવ વ્યકત કરતા ખુશખુશાલ છે. 

(3:03 pm IST)