Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કર્મઠ યુવા કાર્યકર શીતલભાઇ શાહની નિયુકિત

યુવાવયથી જ કેસરિયા રંગે રંગાયેલા શીતલભાઇ શાહનું સામાજિક સેવાકીય ક્ષેત્રે પણ સક્રિય યોગદાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,  તા. ૧પઃ પ્રદેશ ભાજપ દ્વારા હાલમાં જ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે શીતલભાઇ શાહની નિયુકિત કરાઈ છે. ૪૫ વર્ષીય શીતલભાઇ શાહ ૧૮ વર્ષની યુવા વયથી જ કેસરિયા રંગે રંગાયેલા કર્મઠ કાર્યકર છે. પોતાને જિલ્લા મહામંત્રીની સોંપાયેલ જવાબદારી અંગે 'અકિલા' સાથે વાત કરતાં શીતલભાઇ શાહે જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલજીએ મને એક સામાન્ય કાર્યકરને પાર્ટીની કામગીરી કરવા માટે જે તક આપી છે, તે હું પૂરી નિષ્ઠાથી નીભાવીશ. કચ્છ જિલ્લા ભાજપના સંગઠનના મારા તમામ મોવડીઓ, વિવિધ પાંખના આગેવાનો, હોદેદારો, સાથીદારો અને ચૂંટાયેલા તમામ પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે મળીને, તેમના માર્ગદર્શન સાથે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા પ્રયાસ કરીશ.

ભુજ શહેર ભાજપના મહામંત્રી અને છેલ્લે શહેર ભાજપ પ્રમુખ રહી ચૂકેલા શીતલભાઇ શાહ સામાજિક સેવાકીય ક્ષેત્રે પણ સારું એવું યોગદાન આપી રહ્યા છે. કચ્છમાં પશુસેવા ક્ષેત્રે કાર્યરત પશુ હોસ્પિટલ સાથે બીમાર પશુઓની સંભાળ લેતી જે પાંજરાપોળની સેવાઓને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વખાણી ચૂક્યા છે, એ સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજના એ પાયાના કાર્યકર છે. રકતદાન જાગૃતિનું કામ કરતી અને કચ્છના થેલેસેમીયાના બાળ દર્દીઓ માટે લોહીની વ્યવસ્થા કરતી સક્ષમ સંસ્થાના પણ તે સક્રિય કાર્યકર છે. આ સિવાય ભુજ નજીક આવેલ નાગોર જીઆઇડીસી તેમ જ જૈન ધાર્મિક સંસ્થા છ કોટી જૈન સંઘમાં પણ તેઓ સક્રિય છે. કચ્છ ભાજપના મહામંત્રી તરીકે તેમની આ થયેલ નિયુકિત બદલ શીતલભાઈ શાહ (મો.નં. ૭૫૬૭૫૦૯૯૯૯) ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(3:02 pm IST)