Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

વાંકાનેર રાજવી પરિવાર દ્વારા માતાજીના સાનિધ્યમાં નવરાત્રી અષ્ટમીએ પૂજન-હવન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૫ :. વાંકાનેર રાજવી પરંપરા મુજબ નવરાત્રીમા માતાજીના સાનિધ્યમાં દર વર્ષે નવરાત્રીમાં આઠમના હવનાષ્ટમીના પાવન પ્રસંગે માતાજીનું પૂજન, યજ્ઞ, હવન સહિતના પ્રસંગો સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે.

આ વર્ષે પણ મહારાણારાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીનીકુમારીના હસ્તે રાજ પરિવારની પરંપરા મુજબ અત્રેના જૂના દરબારગઢમાં આવેલ શકિત માતાજીના મંદિરે નવરાત્રી અષ્ટમીના પૂજન-હવન કરી મહાશકિત પર્વની ધર્મભકિત સાથે ઉજવણી કરવામાં આવેલ.

આ પાવન પ્રસંગે રઘુનાથજી મંદિરના રેવાદાસ હરીયાણી, ગાયત્રી શકિતપીઠના અશ્વિનભાઈ રાવલ, રાજ્યગુરૂ શ્રી નાગાબાવજી જગ્યાના જગદીશગીરી બાપુ, શ્રી મોટરેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી નિલેશગીરીબાપુ, વિ.હિ.પ.ના શ્રી અમરશીભાઈ મઢવી, ગઢવીભાઈ સહિતના સંતો-મહંતોએ રાજવી પરિવાર ઉપર પુષ્પવર્ષા સાથે આશિર્વાદ આપ્યા હતા. આ ધર્મભકિતના પ્રસંગમાં રાજપુત સમાજના ભાઈઓ-બહેનો તેમજ ભાજપ સંગઠનના અગ્રણીઓ, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:29 am IST)