Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વાંકાનેરમાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ-સેવા ના લાભાર્થે ભવાઈનું આયોજન

મંદિર ટ્રસ્ટ દ્વારા સર્વે ધર્મ-પ્રેમી, કલા-પ્રેમી જનતાને આ સુંદર કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું

મોરબી :એક જમાનામાં કઠપૂતળી, ડાયરો, ભવાઈ, રામલીલાનાં નાટકો જેવા બહુરૂપી કાર્યક્રમો ભારતભરનાં ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત હતાં. રાસ-ગરબાની જેમ ભવાઈ પણ ગુજરાતની આગવી ઓળખ ગણાય છે. ગુજરાતની ભાતીગળ નાટ્યકળા એટલે ભવાઈ. એ સમયે ભવાઈ સ્વરૂપે ભજવાતાં નાટકો પ્રજાના મનોરંજન અને લોકઘડતરનું અસરકારક માધ્યમ મનાતું હતું. પણ શહેરીકરણને પ્રતાપે આજે શહેરોમાં ભવાઈ વિસરાઈ ગઈ છે. પણ ગ્રામ્ય જીવનમાં આજે પણ ભવાઈ ધબકે છે ત્યારે વાંકાનેરમાં જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ-સેવા ના લાભાર્થે ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે મંદિરના લઘુમંત્રી જીતેન્દ્રપ્રતાપ ત્રિવેદીની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્ય માં ગૌ-સેવાના લાભાર્થે કોરોના કાળના બે વર્ષ બાદ મોરબીની ધર્મપ્રેમી જનતા માટે ભવ્ય લોક-ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં શ્રાવણ વદ-૧૦ ને રવિવાર તારીખ:- ૨૧/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રી ના ૧૦:૦૦ કલાકે મંદિર પરિસરમાં યોજાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દર વર્ષની જેમ આ વર્ષે પણ આ લોક-ભવાઈના કાર્યક્રમમાં ખાખરાળાના વ્યાસ સ્વ. હરીભાઇ કાનજીભાઇના “સ્વામી વિવેકાનંદ-ભવાઇ મંડળ” ના કલાકારો “શ્રી જડેશ્વર દાદા નો મુજરો” રજૂ કરશે. જેને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા સર્વે ધર્મ-પ્રેમી, કલા-પ્રેમી જનતાને આ સુંદર કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(7:07 pm IST)