Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલમાં જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી

પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરાયું જીલ્લા કલેકટર, એસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ.

મોરબી :  દેશના સ્વાતંત્ર્ય પર્વની આજે સમગ્ર દેશમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના હસ્તે ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી
આ તકે ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું કે, આપણે સમગ્ર વર્ષ દરમિયાન  ‘આઝાદી અમૃત મહોત્સવ’ હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી છે. ૧૩ ઓગસ્ટથી આજ સુધીના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક એકમો, ઔદ્યોગિક સાહસો એમ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને ભારત માતા તેમજ તિરંગાનું સન્માન કર્યું છે. પ્રવાસન ક્ષેત્રની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમનું હબ બન્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી, રણોત્સવ વગેરેએ ગુજરાતને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. ગિરનાર રોપ વે, પાવાગઢ ધ્વજારોહણ વગેરેનો પણ મંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ મોરબી જિલ્લાના રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓનું સન્માન કર્યુ હતું અને કોરોના વાયરસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ કોરોના વોરિયર્સનું ઉપરાતં અગ્રણી સ્વયંસેવકો, મહેસૂલ, પોલીસ, આરોગ્ય, ૧૦૮ એમ્બ્યુલન્સ, પંચાયત તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય સેવાને સન્માનીત કરી બિરદાવી હતી . ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, વન વિભાગના ચિરાગ અમીન, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, દુર્લભજીભાઇ દેથરીયા, વાંકાનેર રાજવી પરિવારના કેશરીદેવસિંહજી, વાંકાનેર પ્રાંત અધિકારી  શેરશીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ, જિલ્લાના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તે ઉપરાંત મોરબી જીલ્લામાં તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી તે ઉપરાંત મોરબી નગરપાલિકા કચેરી, જીલ્લા પંચાયત કચેરી ખાતે પણ ધ્વજવંદન કરી ઉજવણી કરાઈ હતી.

(7:03 pm IST)