Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો

- ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી.

મોરબી :આઝાદીના રાષ્ટ્રીય પર્વ નિમિતે દેશમાં દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો છે. આ વતા સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, તેવા સમયે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન સ્મશાન ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. 

આજે 75 માં સ્વાતંત્રય પર્વ નિમિતે દેશભરમાં આન, બાન અને શાનથી ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલ સોનાપુરી સ્મશાન ખાતે આ દિવસ ઉજવાયો. જ્યાં ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. આ તકે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્મશાન કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો મૃત્યુ પામે પછી જ જવાનું હોય છે તેવી માન્યતા બાળકોના મનમાં હતી તેને દુર કરવામાં આવી.

શિક્ષણ ક્ષેત્ર શહેરના સામાકાંઠે વિસ્તારમાં આગવું નામ ધરાવતી ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. દરમ્યાન આ વર્ષે વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને ત્યાં શાંતિ હોય છે એટલે કે શાંતિના ધામ ખાતે સતત બીજા વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે દરેક જીવ માત્રનો અંતિમ પડાવ મોક્ષધામ હોય છે. તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેમજ સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે તેની સમજણ કેળવાય તે માટે સ્મશાન ભૂમિ પર વિદ્યાર્થીઓને લઈ જવાયા. 

દરિયાથી લઈને પહાડ સુધી દરેક જગ્યાએ આજે તિરંગો લહેરાવીને દેશના દરેક ખૂણે ખૂણામાં દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ભારતમાં એક માત્ર મોરબી શહેરની અંદર સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. જો કે, સરકારી કે ખાનગી બિલ્ડીગો ઉપર નહિ, પરંતુ જે દિવસે પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં તિરંગો લહેરાઈ જશે તે દિવસે ભારત સ્વર્ગ સમાન બની જશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.

(1:18 pm IST)