Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેશોદ વિસ્તારમાં જગતાત ના ઘરે લાપસીનું રાંધણ : માતા વસુંધરાને નમન બાદ ખેતરોમાં 'બીજરોપણનો પ્રારંભ

મેઘ કૃપા વરસવાની સાથે સતત મહેનત અને લગનથી 'કણમાંથી મણ' પકાવી કૃષિ સમૃધ્ધી લાવવા કિશાનોનો દ્રઢ નિધાર : છેલ્લા પાંચ દિ'માં સિઝનનો કુલ ૪ાા ઇંચઃ આજે સવારે વરાપ જેવું જણાતા વાવણી કાર્યના આરંભ પૂર્વે ખેડૂતોએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફુલ દ્વારા ભૂમિપૂજન કરી ગોળ ધાણાની લીધી પ્રસાદી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા. ૧પ :.. અત્રે છેલ્લા પાંચ દિવસમાં સિઝનનો કુલ સાડા ચાર ઇંચ જેવો વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ આજ સવારથી મહદ અંશે વરાપ જણાતા માતા વસુંધરાને નમન કરી જગતાતે ખેતરોમાં 'બીજારોપણ' નો ભારે હર્ષ સાથે પ્રારંભ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

સામાન્ય રીતે ૧પ જુન આસપાસથી ચોમાસુ સિઝનનો પ્રારંભ થતો હોઇ છે અને આ દરમિયાન સારો વરસાદ પડતાં જ જુન માસમાં જ ખેડૂતો દ્વારા વાવણી કાર્ય પુર્ણ કરાતું હોઇ છે. પરંતુ પ્રવર્તમાન ચોમાસુ સિઝનમાં પલ્ટો જોવા મળેલ હતો. ચાલુ વર્ષે પ્રથમ વરસાદની શરૂઆત કેશોદ વિસ્તારમાં ગત ૧૦ જૂલાઇથી થવા પામેલ હતી. ગત શનિવારથી સતત વરસાદી માહોલ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં સાડા ચાર ઇંચ જેવો વરસાદ વરસી જતાં જે સિઝન શરૂ થયાના લગભગ એક માસ બાદ સિઝનનો કુલ વરસાદ બનેલ છે.

ઘણા લાંબા સમયની મેઘરાજાની ભારે પ્રતિક્ષા બાદ તાજેતરમાં મેઘકૃપા ઉતરી આવતાં વાવણી કાર્ય માટે થનગની ઉઠેલ ખેડૂતોએ ઘરે શુકનમાં લાપસીના રાંધણ કરી ખુશી વ્યકત કરેલ છે.

આજે સવારે વરાપ જેવું જણાતા કેટલાય ખેડૂતોએ આજથી વાવણી કાર્યનો શુભ આરંભ કરેલ છે. વાવાણી કાર્યના આરંભ પુર્વે ખેડૂતોએ અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ફુલ દ્વારા સંપૂર્ણ શ્રધ્ધાપૂર્વક 'ભૂમિ પૂજન' કરી, ગોળ - ધાણાની પ્રસાદી લીધા બાદ ખેતરોમાં વાવણી કાર્યનો મંગલમય આરંભ કરેલ હતો.

મેઘ કૃપા વરસવાની સાથે જ સતત મહેનત અને લગનથી 'કણમાંથી મણ' પકાવી કૃષિ ક્ષેત્રમાં સમૃધ્ધી લાવવાના દૃઢ નિધાર સાથે કિશાનો પોતાની કામગીરીમાં વળગી પડેલ છે.

દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં (ગઇકાલ સવારથી આજ સવાર સુધીમાં) કુલ ૧ ઇંચ જેવો વરસાદ પડેલ છે. અત્રેથી પાંચ કિ. મી. દુર મામલતદાર ઓફીસ સ્થિત કંટ્રોલ રૂમ ખાતે ગઇકાલનો ર૪ મી. મી. સાથે સિઝનનો કુલ ૧૧ર મી. મી. તથા સ્થાનીક શહેરની મધ્યે આવેલ નગરપાલીકા ખાતેના કંટ્રોલ રૂમમાં ર૪ મી. મી. સાથે સિઝનનો કુલ  ૮૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે. આજે સવારે ધુપ-છાવ જેવો માહોલ જણાઇ રહેલ છે જો કે, વાતાવરણ જોતા વધુ વરસાદ પડે તેવી શકયતાં નકારી શકાય નહીં.

(12:56 pm IST)