Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

લોધીકા પોસ્‍ટ ઓફીસમાં નેટ કનેકિટવીટીના કાયમ ધાંધીયાઃ એસ.ટી. બસ રૂટ બંધ થતા ટપાલ સેવાને અસર

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧પ :.. તાલુકા કક્ષાની લોધીકામાં આવેલ પોસ્‍ટ ઓફીસમાં છેલ્લા ઘણા સમયથી નેટ કનેકિટવિટીના ધાંધીયા તથા એસ. ટી. રૂટ બંધ થતા ટપાલના થેલા મોકલવાનું બંધ થતા લોકોમાં રોષ જોવા મળી રહેલ છે.

આ અંગે સાંગણવાનાં સામાજીક કાર્યકર્તા આંબાભાઇ રાખૈયા તથા ધીરૂભાઇ શીંગાળાએ રજૂઆતમાં જણાવ્‍યું કે લોધીકાની પોસ્‍ટ ઓફીસ તાલુકા કક્ષાની હોય લોધીકા સહિત તાલુકાના ચીભડા, સાંગણવા, જેતાકુબા, ચાંદલી, પીપરડી, અભેપર સહિત ગામોના ગ્રાહકો પોસ્‍ટ ઓફીસે કામકાજ અર્થે આવતા હોય છે. પોસ્‍ટમાં થતા રૂટીન કામકાજો સેવીંગ એકાઉન્‍ટ, નાણાકીય લેવડ-દેવડ, આધાર કાર્ડની કામગીરી, ટપાલ સેવા, બચત પત્રો સહિતની કામગીરી માટે લોકો આવતા હોય છે. પોસ્‍ટમાં જતા ખબર પડે કે પોસ્‍ટ ઓફીસ તો ખુલી છે. પરંતુ કનેકિટવીટી ઠપ હોવાને લઇ ગ્રાહકોની હાલત કફોડી બની જાય છે. ત્‍યારે દુર દુરનાં ગામોમાંથી આવેલા લોકોને ધરમ ધકકા થાય છે.

તેવી જ રીતે લોધીકા સહિત આજૂ બાજૂના ગામોની પેટા પોસ્‍ટ ઓફીસોની ટપાલો લોધીકા પોસ્‍ટ ઓફીસે જમા થાય છે અને ત્‍યાંથી ટપાલનો થેલો તૈયાર થઇ લોધીકાથી સાંજે ઉપડતી ચાંદલી-રાજકોટ બસમાં થેલો રાજકોટ મુખ્‍ય પોસ્‍ટ ઓફીસે પહોંચતો હોય છે. પરંતુ કોરોના કાળમાં એસ. ટી. દ્વારા આ બસ રૂટ બંધ કરી દેવાતા ટપાલ સેવા ઠપ થઇ ગયેલ છે. આ અંગે રજૂઆતો કરવા છતાં પોસ્‍ટ તંત્ર દ્વારા ઘણો સમય પસાર થઇ ગયેલ હોવા છતાં લોધીકાથી બીજી બસમાં ટપાલ થેલો મોકલવાની વ્‍યવસ્‍થા કરેલ નથી ત્‍યારે પોસ્‍ટનાં સત્તાવાળાઓ ઉકત પ્રશ્નોનો વહેલી તકે નિવારણ લાવે તેવી લોક માગણી છે.

(9:47 am IST)