Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કેશોદ વિસ્‍તારમાં યુધ્‍ધના ધોરણે વાવણીની કામગીરી શરૂઃ બિયારણની ફુલ ડીમાન્‍ડ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧પ :.. છેલ્લા બે દિવસ દરમિયાન થોડો થોડો પરંતુ વાવણી જોગો વરસાદ થઇ જતા  અત્‍યારે આ વિસ્‍તારમાં ચોમાસુ પાક મગફળીના વાવેતરની કામગીરી ધરતી પુત્રોએ યુધ્‍ધના ધોરણે શરૂ કરી દીધી છે. બીજી તરફ મગફળીના બિયારાણની અત્‍યારે ફુલ ઘરાકી નીકળતા વ્‍યાપારીઓના જીવમાં પણ જીવ આવ્‍યો છે. ખેડૂતોનએ પણ હાશકારો અનુભવ્‍યો છે.

સામાન્‍ય રીતે દર વરસે ૧પ જુન આસપાસ ચોમાસાનું આગમન થઇ જાય છે અને વરસાદ પછીના એક અઠવાડીયામાં વાવણીનું કાર્ય લગભગ પુરૂ થઇ જાય છે. આ વરસે પણ દર વરસના સરાસરી વરસાદની સરખામણીમાં ૧૦૪ ટકા વરસાદ અને ૧૦ જુન આસપાસ થઇ જવાની આગાહી પણ આવી હતી તેમ છતાં આ વિસ્‍તારમાં આશરે એક માસ મોડુ ૧૦ જૂલાઇ સુધી વરસાદે દેખા નહિ દેતા ખેડૂતોમાં ઠીક ઠીક ચિંતાનં વાતાવરણ ઊભુ થઇ ગયું હતું. શું થશે તેવો પ્રશ્ન તમામને સતાવતો હતો.

દરમિયાન છેલ્લે છેલ્લે ૧૧ જુલાઇના રોજ મેઘરાજાએ ધીમે પગલે પણ દેખા દેતા ખેડૂતો અને અન્‍ય સબંધકર્તા તમામે હાશકારો અનુભવ્‍યો હતો. આ ધીમા વરસાદના પગલે આ વિસ્‍તારમાં ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીની કામગીરી યુધ્‍ધના ધોરણે શરૂ કરી દીધી છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં અત્‍યારે કોઇ ખેડૂત નવરો નથી બધા વાવણીની કામગીરીમાં રોકાયેલા છે.

વાવણી લાયક વરસાદ થઇ જતાં અને વાવણીની કામગીરી શરૂ થતા વાવણી માટે જરૂરી બિયારણની પણ સારા પ્રમાણમાં ઘરાકી નીકળી છે પરિણામો બિયારણ અને જંતુનાશક દવાના વ્‍યાપારીઓમાં પણ હાશકારા સાથે પોતાના માલ વહેચાણનો એક નવી જ આશાનો સંચાર થયો છે.

આ વરસે દર વરસની સરખામણીમાં આશરે એક માસ ચોમાસાનું આગમાન મોડુ થતા ખેડૂતો પોતાના પાક ઉપરાંત પોતાના પશુઓ માટેના ઘાસચારાની પણ ગંભીર કટોકટી અનુભવી રહ્યા હતા વરસાદ થઇ જતા ગણત્રીના દિવસોમાં જ લીલુ ઘાસ ઉગી નીકળતા ઘાસચારાનો પ્રશ્ન પણ મોટાભાગે તાત્‍કાલીક અસરથી દુર થશે પશુ પાલકો ઘાસચારાના પ્રશ્ને પણ આથી હાશકારો અનુભવશે.

(9:46 am IST)