Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દીવાલ પર સ્યુસાઇડ નોટ લખીને ભુજ પાલિકા કર્મચારીનો ગળેફાંસો ખાઈને આપઘાત

ભાષા અસ્પષ્ટ હોઈ પોલીસ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી

ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં 30 વર્ષિય વિધુર યુવકે હાથના કાંડે કાપો મૂકી, લોહીથી ઘરની દિવાલ પર સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ બન્યો છે. મરણ જનાર મુકેશ બંસીલાલ સોનવાલ શહેરના કેમ્પ એરીયામાં હનુમાન મંદિર પાછળ રાજીવનગરમાં રહેતો હતો. આજે સવારે 9 વાગ્યાના અરસામાં ઘરમાં લોખંડની આડી પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મુકેશનો મૃતદેહ મળી આવ્યો હતો.

  મૃત્યુ પૂર્વે મુકેશે ઘરની દિવાલ પર લોહી વડે મરણ નોંધ લખવા પ્રયાસ કર્યો હતો. જો કે, લખાણ એકદમ અસ્પષ્ટ છે. પરંતુ એક જગ્યાએ હિન્દીમાં ‘નગરપાલિકા મેરા 30 હજાર ચોરી હુઈ’ જેવું લખાણ લખ્યું હોવાનું સમજાય છે. મુકેશને નગરપાલિકા પાસેથી ઓવરટાઈમ સહિતની રકમ લેવાની બાકી નીકળતી હોવાનું સફાઈ કામદારોમાં ચર્ચાઈ રહ્યું છે. બનાવની તપાસ ભુજ બી ડિવિઝન પીએસઆઈ વી.આર. ઉલ્વાએ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશની પત્નીનું પાંચેક વર્ષ અગાઉ નિધન થયું હતું અને તે નાનાં પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. મૃત્યુ પૂર્વે તેણે હાથના કાંડામાં છરી મારીને લોહી કાઢીને દિવાલ પર સ્યુસાઈડ નોટ લખી હતી. જો કે, ભાષા અસ્પષ્ટ હોઈ પોલીસ હજુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. મરણ જનારને પાલિકામાંથી ખરેખર કોઈ લ્હેણી બાકી નીકળતી હતી કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે આઘાત અને દુઃખ વ્યક્ત કરી ખુલાસો કર્યો હતો કે મરણ જનાર મુકેશ પાલિકામાં રોજંદાર તરીકે કામ કરતો હતો. સરકારી નિયમ મુજબ નગરપાલિકા દ્વારા કોઈપણ કર્મચારીને ઓવર ટાઈમ અપાતો નથી. મૃતકને ઓવરટાઈમ કે અન્ય કોઈ નાણાં પાલિકા પાસે બાકી લેવાના નીકળતાં નહોતાં. બનાવ અંગે જાણ થતાં પાલિકા પ્રમુખે અંતિમવિધિ માટે માનવતાના ધોરણે મૃતદેહને તેના વતન રાજસ્થાન મોકલી આપવા શબવાહિની સહિતની સગવડ વિનામૂલ્યે કરી આપી હતી. મુકેશના નોંધારા થઈ ગયેલાં બે સંતાનોની શિક્ષણ સહિતની બાબતો અંગે ઘટતું કરવાની ઠક્કરે ખાત્રી આપી હતી.

(9:52 pm IST)