Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર અને અમદાવાદ જિલ્લાને નર્મદાનું પાણી નહીં આપવા નિર્ણંય

15મી માર્ચને બદલે હવે એક મહિનો આગાઉ નર્મદાનું પાણી બંધ કરવા જાહેરાત :નાયબ મુખ્યમંત્રી અજાણ ?

 

અમદાવાદઃરાજ્ય સરકારે 15 ફેબ્રુઆરીથી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં નર્મદાનું પાણી નહિ આપવા નિર્ણય કર્યો છે યોજના એક મહિના પહેલાં બનાવાઈ હતી રાજ્ય સરકારે 12 જાન્યુઆરીએ એક એડવાઇઝરીમાં ખેડૂતોને કહ્યું હતું કે, નર્મદાનું પાણી 15 માર્ચ સુધી સિંચાઈ માટે આપવામાં નહિ આવે અને તે પછી પણ નહિ. જોકે હવે સરકારે ફરી એક એડવર્ટાઇઝમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં એક મહિના પહેલાં એટલે કે 15 ફેબ્રુઆરીથી પાણી નહી મળવાની વાત કહેવામાં આવી છે.

    એક ન્યૂઝપેપરમાં પ્રકાશિત એડવર્ટાઇઝમેન્ટમાં રાજ્ય સરકાર હસ્તકના સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) કહ્યું છે કે, નર્મદા કેનાલમાં પાણીની અછતને કારણે ખેડૂતોને થનારા નુકસાન બદલ તે જવાબદાર નહિ હોય. નવમી ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા એડવર્ટાઇઝમેન્ટમા SSNNL કહ્યું છે કે, ‘નિગમની નીતિ મુજબ, ઉનાળાની ઋતુમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવતું નથી. આથી, સુરેન્દ્રનગરથી પસાર થતી લિંબડી બ્રાન્ચ કેનાલના કમાન્ડ એરિયા અંતર્ગત આવતા તમામ ખેડૂતો, કૉ-ઓપરેટિવ્સ અને સામાન્ય લોકોને જાણ કરવામાં આવે છે. અમદાવાદ, બોટાદ અને ભાવનગર જિલ્લાને 15 ફેબ્રુઆરીથી ઉનાળાના અંત સુધી નર્મદાનું પાણી ફાળવવામાં નહિ આવે.’ તેમાં ખેડૂતોને નિગમ તરફથી પાણી આપવામાં આવશે તેવી આશા સાથે ઉનાળુ પાક માટે તૈયારી કરવા પણ જણાવવામાં આવ્યું છે.

   SSNNLના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન એસ. એસ. રાઠોડની એડવર્ટાઇઝમેન્ટ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે SSNNLના એડવર્ટાઇઝમેન્ટ અંગે કહ્યું છે કે, ‘સિંચાઈ માટેનું પાણી 15 માર્ચ સુધી ઉપલબ્ધ છે. મને એડવર્ટાઇઝમેન્ટ બતાવો. કયા ન્યૂઝપેપરમાં તે છે? મને તે વિશે ખબર નથી, તે વિશે તપાસ કરવી પડશે.’ જોકે સાથે તેમણે કહ્યું છે કે, ‘કેનાલમાં કોઈ કામ ચાલી રહ્યું હશે તો એડવર્ટાઇઝમેન્ટ જાહેર કરવામાં આવ્યું હોઈ શકે.’

(11:37 pm IST)