Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગિરનાર પર્વતે રામકથા : કાલે જુનાગઢ પધારશે મોરારીબાપુ

ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત કરે તેવી શકયતા શ્રોતા વગરની રામકથાની તૈયારીઓને ઓપ

(વિનુ જોષીદ્વારા) જુનાગઢ તા. ૧૪ : ગિરનાર પર્વત ખાતેની રામકથા માટે આવતીકાલ તા.૧પના રોજ પ્રખર રામાયણી પૂ. શ્રી મોરારીબાપુ જુનાગઢ ખાતે પધારશે.

ઇતિહાસમાં પ્રથમ વખત ગરવા ગિરનારની ટોચ પર રામકથા યોજાનાર છે. સંતવર્ય શ્રી મોરારીબાપુએ ગિરનારજીને રામકથા આપી છે.પૂ. બાપુની રામકથા ગિરનાર પર્વત સ્થિત કમંડળ કુંડલી જગ્યા ખાતે આયોજીત કરવામાં આવી છે.

શ્રોતા વગરની પૂ. શ્રી મોરારીબાપુની કમંડળ કુંડ ખાતેની રામકથાનો પ્રારંભ નવરાત્રીના પ્રથમ નોરતા તા.૧૭ ઓકટોબર શનીવારથી પ્રારંભ થઇ રહ્યોછે. આ માટે શ્રી મોરારીબાપુ આવતીકાલે જુનાગઢ આવી રહ્યા છે.

જુનાગઢમાં પૂ.બાપુ ભવનાથ ખાતે ગિરનાર રોપ-વેની સાઇટની મુલાકાત કરે તેવી શકયતા છે શ્રી મોરારીબાપુ આવતીકાલે રામકથા માટે જુનાગઢ આવી પહોંચ્યા બાદ ભવનાથ લાલઢોરી ખાતે રોકાણ કરશે.

ગિરનાર પર્વત પર કમંડળની કુંડ ખાતે આયોજીત રામકથા માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાય રહ્યો છે.

પૂ. મોરારીબાપુની રામકથામાં કોઇ શ્રોતા નહિ હોય માત્ર આર્ટીસ્ટ અને સાઉન્ડ તેમજ લાઇટ માટેની વ્યકિતઓ જ હશે. ગિરનાર પર્વત પર પ્રથમ વખત જ પૂ. શ્રી મોરારીબાપુની રામકથા યોજાઇ રહી હોય પૂ. બાપુના સેવકો તેમજ રામભકતો સહિતના ભાવિકો રામકથાના પ્રારંભની ક્ષણની પ્રતિક્ષા કરી રહ્યા છે.

પૂ.શ્રી બાપુની રામકથાનું યુ. ટયુબ તેમજ આસ્થા ચેનલ પર જીવંત પ્રસારણ થશે.

(12:40 pm IST)