Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ધ્રાંગધ્રા સબજેલમાંથી હત્યા કેસનો આરોપી ભાગી ગયો

બપોરે તંત્ર આરામ કરતુ હતું ને કેદી ૪ ચાદરનું દોરડું બનાવી ૨૫ ફૂટ ઊંચી દીવાલ કૂદી ગયો : સબજેલની બહારના ભાગેથી દોરડું મળ્યું : ૨ મહિનામાં બીજી ઘટનાઃ ભોજન બાદ કેદીઓને બેરેકમાં મોકલાયા ત્યારે તૌસિફ તક જોઇ ભાગ્યો : દોરડા સાથે બાંધેલી પાણીની બોટલ દીવાલની રેલીંગમાં ભરાવી હતી : જિલ્લાભરમાં નાકાબંધી

વઢવાણ તા. ૧૪ : ધ્રાંગધ્રાના આંબેડકર નગરમાં રહેતા યુવકની ગત માસ ૮ ઓગસ્ટના રોજ થયેલી હત્યાના આરોપીને પોલીસે ૧૨ ઓગસ્ટના રોજ પકડી ધ્રાંગધ્રા સબજેલ હવાલે કર્યો હતો. પરંતુ કેદી તૌસીફ બ્લોચ જેલમાં આવ્યાના ૩૦ દિવસમાં જ ૧૩મી સપ્ટેમ્બરે જેલના પાછળની દીવાલ સાથે ચાદરનો રસ્સો બનાવી કૂદીને ફરાર થઈ જતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવના સમાચાર મળતા મામલતદાર અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને કેદીને ઝડપી પાડવા માટે જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા શહેરમાં આવેલ સબજેલમા અવારનવાર કેદીઓ ભાગી જવાના બનાવ બને છે. ત્યારે શહેરમાં ઓગષ્ટ માસમાં બનેલા હત્યાના કેસમાં ૨૧ વર્ષીય તોસીફ બ્લોચને ઝડપી લેવામાં આવ્યો હતો. અને તોસીફને તારીખ ૧૨ ઓગષ્ટના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. રવિવારે બપોરે ૧૨ વાગ્યે આસપાસ કેદીઓને બહારથી બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તે દરમિયાન કેદી તોસીફ બ્લોચ નજર ચૂકવી બહાર નીકળી ગયો હતો અને જેલ પાછળ આવેલી દીવાલ સાથે ચાદરનો રસો બનાવી ચડીને કૂદકો મારી ફરાર થઈ ગયો હતો. આ બનાવના સમાચાર મળતા મામલતદાર ભગીરથસિંહ ઝાલા, જેલર એલ.આર.પટેલ, સબજેલર યુવરાજસિંહ ઝાલા, પી.આઈ બી.એમ.દેસાઈ, પીએસઆઇ ડોડીયા સહિતનો સ્ટાફ દોડી આવી તપાસ શરૂ કરી છે.

બપોરની ગણતરીમાં આરોપી ગેરહાજર છતાં તંત્રને ખબર ના પડી. બપોરે કેદીઓને જમાડ્યા બાદ આરોપી સરકી ગયો. ચાદર સહીતનો સામાન ગાયબ છતાં જેલતંત્ર અજાણ રહ્યું.

ધ્રાંગધ્રા સબ જેલમાંથી બે માસ અગાઉ પાટડીના ખુન કેસના પાંચ કેદી દિવાલ કુદીને ફરાર થઈ ગયા હતા. તે જ મોડસ ઓપરેન્ડી અજમાવી તોસીફ બલોચ દિવાલ કુદી ભાગી ગયો હતો.

તોસીફ બ્લોચ જેલની પાછળ છુપાઇને ચાદર સાથે પાણીની બોટલ જે ઠંડુ પાણી રાખવામાં ઉપયોગ કરવામાં આવે છે તેવી બોટલો બાંધી દિવાલ પરના તાર ઉપર ફેંકી હતી. જે તારમાં ફસાઇ જતાં અંદાજે ૪ ચાદરોની ગાંઠ વાળી દોરડા જેવું બનાવી તેના સહારે ૨૫ ફુટ ઉંચી દિવાલ ચડી દિવાલના પાછળના ભાગે ગટર પાસે કુદકો મારી કેદી ફરાર થયો હતો.

(11:29 am IST)