Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે

ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા

 ( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ગઈકાલથી શરૂ થયેલાં 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતભૂમિનો એક પણ ખંડ 'તિરંગા' વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે.
ભારતના નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે.
તે ઉપક્રમમાં ભાવનગરની તૃષા છીપાવતો શેત્રુંજી ડેમ ભારતની આન, બાન શાનનાં પ્રતિક એવાં તિરંગાથી લહેરાઈને હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે.
આ અગાઉ આ ડેમમાં ભારતીય તિરંગો શેત્રુંજી ડેમની અફાટ જળ રાશિમાં પણ લહેરાવવામાં આવ્યો હતો અને અત્યારે તેના કિનારે પણ ભારતમાતાનું સર ઉન્નત કરતાં નભ સાથે વાતો કરતાં લહેરી રહ્યો છે.
શેત્રુંજી ડેમને કાંઠે કરાયેલી આ રોશની નયનરમ્ય તો છે જ પણ ભારતના દિવ્ય ઓજસ અને તેજસને પણ ફેલાવી રહ્યો છે. ડેમ ખાતે આ મેઘ ધનુષ્ય રંગોનો નજારો ૧૫ મી ઓગસ્ટ સુધી ચાલુ રહેવાનો છે.
આમ, ભાવનગર શહેર અને જિલ્લાને પાણીનું સિંચન કરતો આ ડેમ તેના મંદ-મંદ ઉછળતા લહેરોના કલરવ સાથે દેશભક્તિનું ગાન પણ પ્રસારિત કરી રહ્યો છે.

(5:28 pm IST)